સુરતમાં દીકરો વ્યાજે પૈસા લઇ ભાગી ગયો, વ્યાજખોરોએ પિતાને કિડનેપ કરીને ફટકાર્યા

PC: youtube.com

રાજ્યમાં અવાર નવાર વ્યાજખોરોના આંતકના કિસ્સાઓ સામે આવ્યા છે. વ્યાજની ચૂકવણી ન કરતા પૈસા લેનારને વ્યાજખોરોએ જાહેરમાં માર માર્યો હોવાના અથવા તો મારી નાંખવાની ધમકીઓ આપીને પઠાણી ઉઘરાણી કરી હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આ પ્રકારનો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જેમાં એક યુવક વ્યાજે પૈસા લઇને ફરાર થઇ ગયો હતો ત્યારબાદ વ્યાજખોરોએ યુવકના પિતાનું અપહરણ કર્યું હતું અને તેમને ઢોરમાર માર્યો હતો. આ બાબતે ભોગ બનનાર વ્યક્તિએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રિપોર્ટ અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં આવેલા શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં હરજી બોરડ નામના વ્યક્તિ પરિવારના સભ્યોની સાથે રહે છે. હરજી બોરડ સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી અંજલી આસ્થા કંપનીમાં વોચમેન તરીકે કામ કરે છે અને નોકરી કરીને જે પૈસા મળે છે તેમાંથી પરિવારનું ગુજરાન ચલાવે છે. હરજી બોરડને એક કીર્તિ નામનો દિકરો છે. પિતાએ દીકરો વૃદ્ધાવસ્થામાં લાકડી બનીને ટેકો આવશે તેવો વિચાર કરીને જે દીકરાને મોટો કર્યો તે દીકરો જ પિતાની મુશ્કેલીનું કારણ બન્યો હતો. કીર્તિ બોરડ લોકોની પાસેથી વ્યાજે પૈસા લેતો હતો અને પછી કોઈ પણ વ્યક્તિને પૈસા આપતો નહોતો. દીકરાની આ કુટેવના કારણે 6 મહિના પહેલા હરજી બોરડે દીકરાને ઘરમાંથી કાઢી મુક્યો હતો અને તેમને દીકરાની સાથે કોઈ સંબંધ નથી તેવી જાહેરાત પણ પેપેરમાં છપાવી હતી.

કીર્તિએ 6 મહિના પહેલા જયસુખ નામના વ્યક્તિની પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. 3 લાખ રૂપિયા વ્યાજે લઇને કીર્તિએ આ પૈસા વાપરી નાંખ્યા હતા. મોજશોખ કરવામાં પૈસા ઉડાવી દેનાર કીર્તિ પાસે પૈસા ન હોવાના કારણે તે ભાગી ગયો. ત્યારબાદ જયસુખ નામના વ્યાજખોરે કીર્તિના પિતા હરજીની પાસેથી ઉઘરાણી શરૂ કરી હતી. જયસુખે 4 લોકોની સાથે મળીને હરજી બોરડનું અપહરણ કર્યું હતું અને તેમની પાસેથી પૈસાની માગણી કરી હતી. ત્યારબાદ હરજી બોરડને માર મારીને મારી નાંખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ તેમને કાપોદ્રા વિસ્તારમાં રસ્તા પર ઉતારી દીધા હતા અને પછી આ તમામ લોકો ભાગી ગયા હતા. આ બાબતે હરજી બોરડે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે પોલીસે ગણતરીના સમયમાં જ બે આરોપીની ધરપડક કરી હતી અને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp