બફાટ રૂપાલાએ કર્યો વિરોધ પૂનમ માડમનો થઇ રહ્યો છે,રેલીમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

PC: divyabhaskar.co.in

ભાજપના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજકોટમાં જે બફાટ કર્યો હતો તેનો રેલો હવે જામનગર સુધી પહોંચ્યો છે. ક્ષત્રિય સમાજના લોકોએ જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમ માડમની એક રેલીમાં ક્ષત્રિય સમાજના લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જો કે પોલીસે અનેક લોકોની અટકાયત કરી લીધી છે. પૂનમ માડમની રેલીમાં ઘુસી ગયેલા રાજપૂત સમાજના લોકોએ ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા.

પરષોત્તમ રૂપાલાએ 23 માર્ચને દિવસે રાજકોટની એક સભામાં જે નિવેદન આપ્યું હતું તેને કારણે ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ ફેલાયો હતો. ભાજપના ડેમેજ કંટ્રોલના પ્રયાસ પછી પણ વિરોધની આગ શમી નથી. જે લડાઇ પહેલા ક્ષત્રિય સમાજ વર્સીસ પરષોત્તમ રૂપાલાની હતી તે હવે ક્ષત્રિય સમાજ વર્સીસ ભાજપની થઇ ગઇ છે. ક્ષત્રિય સમાજના લોકો ભાજપને હરાવવા માટે મેદાને પડ્યા છે.

બુધવારે રાત્રે ભાજપના લોકસભાના ઉમેદવાર પૂનમ માડમની જામજોધપુરમાં મોટી રેલી નિકળી હતી. પોલીસનો બંદોબસ્ત હતો છતા ક્ષત્રિય સમાજના કેટલાંક લોકો રેલીમાં ઘુસી ગયા હતા અને હોબાળો મચાવી દીધો હતો. પોલીસે વિરોધ કરનારા લોકોની અટકાયત કરીને પોલીસ વાનમાં બેસાડી દીધા હતા.

પરષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપેલું તેને એક મહિના કરતા વધારે સમય થઇ ગયો છે છતા ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત રહ્યો છે. બુધવારે ભરૂચમાં પણ ભાજપના સંમેલનમાં ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. ભરૂચમાં ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખની હાજરીમાં BAPS સ્વામીનારાયણ મંદિર ખાતે સંમેલન યોજાયું હતું, પરંતુ પોલીસ બધાની અટકાયત કરીને લઇ ગઇ પછી પાટીલ પહોંચ્યા હતા.

આ પહેલાં જામનગરમાં રાજપૂત સમાજની મહિલાઓએ રૂપાલા અને ભાજપ વિરુદ્ધ ધરણાં કાર્યક્મનું આયોજન કર્યું હતું.

પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યા પછી 3 વખત માફી માંગી લીધી છે અને સી આર પાટીલે પણ બે હાથ જોડીને માફી માંગી હતી, એ પછી બે દિવસ પહેલાં ભાજપે હર્ષ સંઘવી અને ભાજપ સંગઠનના મહામંત્રી રત્નાકરે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરીને મામલો જેમ બને તેમ જલ્દી થાળે પાડવા કહ્યુ હતું, છતા પણ હજુ ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન સમેટાવવાનું નામ નથી લેતું. ક્ષત્રિય સમાજના આગેવાનોને કહેવું છે કે તેઓ 7મેના દિવસે મતદાન પુરુ થઇ ગયા પછી પણ ભાજપ અને રૂપાલાનો વિરોધ કરવાનું ચાલું રાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp