કોઈએ ખરાબ થવું નથી બધાએ મતની રાજનીતિ કરવી છે: અલ્પેશ ઠાકોર

PC: youtube.com

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે પણ લોકો કેટલીક જગ્યાઓ પર ધાર્મિક પ્રસંગો કરી રહ્યા છે. તેવામાં ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણના પગલે લોકો બળીયાદેવને પાણી ચઢાવવાની લોકો બાધા રાખી રહ્યા છે. ત્યારે ગાંધીનગર નજીક રાયપુરમાં 100 કરતાં વધારે લોકોની ભીડ એકઠી થઈ હતી અને સમગ્ર મામલે વીડિયો વાયરલ થયા બાદ આયોજકો સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. ધાર્મિક કાર્યક્રમોમાં લોકોની ભીડ એકઠી થવા છતાં પણ નેતાઓ કંઈ બોલી રહ્યા નથી ત્યારે આ બાબતે અલ્પેશ ઠાકોરે નેતાઓને લઈને ગંભીર આક્ષેપો કર્યા હતા.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોઈને ખરાબ થવું નથી દરેકને સારૂ સારૂ રહેવું છે. મૂળ ચિંતા એવી છે કે બે વર્ષ કે, પાંચ વર્ષ પછી ચૂંટણી આવશે તો મારું શું થશે. દરેકને સારા બનવું છે પરંતુ સત્ય નથી બોલવું. સામાજિક નેતા કે રાજકીય નેતાની જવાબદારી નૈતિકતાની હોવી જોઈએ અને તેમને નૈતિકતાની સાથે નેતૃત્વ કરવું જોઈએ. નેતાઓએ સાચું છે તે બોલવું પડે અને સાચું મારા તમારા માટે નહીં અને આપણે લોકો માટે જ બોલવું પડશે. લોકો એકઠા થાય છે તો નુકસાન કોને થવાનું છે. સૌથી પહેલું લોકોને જ નુકસાન થવાનું છે. સૌથી પહેલા એ લોકોને ભોગવવાનો આવશે. જો આ લોકોમાંથી કોઇ વ્યક્તિ બીમાર પડે ત્યારે એની પડખે આપણે જ ઉભા રહેવું પડે. એટલે લોકો ભેગા થાય એ પહેલા જ આપણે સાચું શા માટે ન બોલીએ. કોઈએ ખરાબ થવું નથી દરેકે એમના મતની રાજનીતિ કરવી છે. બે વર્ષ પછી કોઈને સરપંચ બનવું છે. તો કોઈને તાલુકા પંચાયતના પ્રમુખ બનવું છે, તો કોઈને ધારાસભ્ય બનવું છે. કોઈને ખરાબ નથી થવું કોઈને બોલવું નથી. હું તો બોલી બોલીને થાકી ગયો છું. જ્યારે હું નથી બોલતો ત્યારે લોકો એમ કહે છે તમે શા માટે નથી બોલતા, જ્યારે બોલું છું ત્યારે એવું કહે છે શા માટે બોલો છો.

અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, મારી વાત એવી છે કે, દારૂ પીનારા લોકો મને દારૂ બંધ કરાવતો રોકવા આવે. અંધશ્રદ્ધા ફેલાવનાર છે તે મને લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢતો રોકવા આવે. એટલે હું નામ દઈને આમાં પડવા નથી માગતો. મારા લોકોએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે. એટલે મારી જવાબદારી છે કે મારા ગુજરાતમાં લોકોને મારે સાચી દિશા આપવી જોઈએ. મારા ગુજરાતનો કોઈ વ્યક્તિ દુઃખી થતો હોય કોઈ બીમારી ગુજરાતને ભરડામાં લેતી હોય. તો મારી જવાબદારી છે એટલે હું બોલીશ કોઈ બોલે કે, ના બોલે.

અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે અમારા સદારામ બાપા ન જયંતિ હતી. આ સદારામ બાપા એ લોકોને આસ્થા સાથે જોડવાના પ્રયાસ કર્યા છે. બળીયાદેવમાં અમે પણ માનીએ છીએ અને આખો સમાજ પણ માને છે. પરંતુ આ કોરોનાની મહામારી વચ્ચે ધ્યાન રાખવું જોઈએ કે હું અજાણતા કોઈ ભૂલ ન કરી બેસુ કે, સંક્રમણ ફેલાવવાનો નિમિત્ત ન બનું. એટલા માટે મેં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લોકોને અપીલ કરી કે મિત્રો મને માફ કરો પરંતુ તમે મેળાવડા ના કરો. ઘણા લોકોએ લગ્ન પ્રસંગો કેન્સલ કર્યા, તો ઘણા લોકોએ પોતાના ધાર્મિક કાર્યક્રમો બંધ કર્યા. અમારો સમાજ એક એવો ભોળો સમાજ છે કે, અત્યારે પણ અમારું માને છે. અને સમાજમાં આજથી જ ધ્યાન રાખવાનું શરૂ થઈ જશે કારણ કે લોકોને ખબર છે કે અમારો આગેવાન અમારા માટે બોલે છે. અને હજારો લોકોના ફોન આવવાના શરૂ થઈ જશે કે હવે આવું નહીં કરીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp