વિરમગામમાં જ એવું પરિણામ આવ્યું કે હાર્દિક પટેલ પણ ટેન્શનમાં

PC: twitter.com/HardikPatel

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 6 મહાનગરપાલિકાઓમાંથી કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે. ત્યારે હવે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં પણ કોંગ્રેસના સુપડા સાફ થઈ રહ્યા છે. ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલના ગઢમાં પણ ભાજપે ગાબડા પાડ્યા છે. હાર્દિક પટેલના ગામ વિરમગામમાં પાટીદાર પાવર ન ચાલ્યો અને નગરપાલિકામાં ભાજપે સત્તા હાંસલ કરી છે. વિરમગામ નગરપાલિકાની 36 બેઠકમાંથી ભાજપને 20 બેઠક મળી છે. બીજી મહત્ત્વની વાત છે કે, વિરમગામમાં કોંગ્રેસ પોતાનો એક પણ ઉમેદવાર ઉભો રાખી શકી નહતી. એટલે હાર્દિક પટેલ પણ કોંગ્રેસના ઉમેદવારને મત આપી શક્યો નહોતો. મત આપ્યા પછી હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી હતી કે અપક્ષનો ઉમેદવાર કોંગ્રેસ પ્રેરિત ઉમેદવાર છે.

મહત્ત્વની વાત છે કે, 2015 વિરમગામ નગરપાલિકાની 36 બેઠકોમાંથી 17 બેઠક પર ભાજપની જીત થઇ હતી. 11 બેઠકો કોંગ્રેસને મળી હતી અને 5 બેઠક બિનહરીફ જાહેર થઇ હતી. આ ઉપરાંત  ધોળકા નગરપાલિકાની 36 બેઠકોમાંથી 26 બેઠક ભાજપને મળી હતી, 9 બેઠક કોંગ્રેસને મળી હતી અને 1 બેઠક અપક્ષને મળી છે. વર્ષ 2021માં ધોળકા, વિરમગામ અને બારેજા નગરપાલિકા ભાજપે કબજે કરી છે. ધોળકા નગરપાલિકાની 36 બેઠકમાંથી 17 ભાજપે, 10 કોંગ્રેસે અને 1 અપક્ષે મેળવી છે. વિરમગામ નગરપાલિકાની 36 બેઠકમાંથી 20 ભાજપે અને 14 અપક્ષે હાંસલ કરી છે. બારેજા નગરપાલિકાનમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. બારેજા નગરપાલિકાની 24 બેઠકોમાંથી 20 બેઠક પર ભાજપની જીત થઇ છે અને 4 બેઠક પર અપક્ષનો વિજય થયો છે. અમદાવાદ જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની કુલ 314 બેઠકમાંથી 300 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી અને તેમાંથી 14 બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી.

હાર્દિક પટેલે કોંગ્રેસના નેતાઓ પર જ બે દિવસ પહેલા ઉઠાવ્યા હતા સવાલ

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને કોંગ્રેસમાં જોડાયા પછી એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી તેનો પૂરોપૂરો ઉપયોગ કરતી નથી અને કોંગ્રેસના નેતાઓ તેમને પાડી દેવા માગતા હોઇ શકે છે. હાર્દિકે એવું પણ કહ્યું કે જો તેમને સુરતમાં પ્રચાર કરવા દીધો હતો તો કોંગ્રેસની શૂન્ય બેઠકો ન આવી હોત. તેમણે આ સમયે અહેમદ પટેલને પણ યાદ કર્યા કે જો તે હોત તો 219 જેટલી બેઠકો ભાજપ બિનહરીફ ન લઇ શક્યું હોત. આમ હાર્દિકે સીધી રીતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પર નિશાન સાધ્યો છે. હાર્દિક પટેલે 2 વર્ષ પહેલા જ કોંગ્રેસમાં એન્ટ્રી લીધી હતી અને હવે તેમનો મોહભંગ થઇ રહ્યો હોય તેમ લાગે છે. ચર્ચા તો ત્યાં સુધી શરૂ થઇ છે કે કદાચ તે આમ આદમી પાર્ટીમાં જોડાઇ જાય તો નવાઇ નહીં. 

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા હાર્દિકે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા મને પ્રચારનો કોઇ પ્રોગ્રામ આપવામાં આવ્યો નથી. હું જાતે જ નક્કી કરીને પ્રચાર કરી રહ્યો છું. કારણ કે હું આંદોલનમાંથી આવેલો નેતા છે. હું સતત ટૂર કરવા માગું છે પરંતુ મને લાગે છે કે એ લોકો મને કદાચ પાડી દેવા માગે છે. પરંતુ હું પડીશ નહીં. હું ફરી બેઠો થઇશ. કારણ કે આંદોલન વખતે મને ભાજપે પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હું પાછો બેઠો થઇ ગયો. હાર્દિકે કહ્યું કે જ્યારે કોંગ્રેસમાં જોડાયો ત્યારે એવું લાગતું હતું કે પાર્ટી તેમનો ઉપયોગ કરશે પરંતુ તેમાં પ્રદેશના નેતાઓ ફેઇલ ગયા છે. હું દરરોજ 25 સભાઓ કરી શકું છું પરંતુ તેઓ નક્કી તો કરે. હું આજથી 500 કિલોમીટર પદયાત્રા કરવા તૈયાર છું પરંતુ મને કંઇક કામ તો આપો. હું વારંવાર પાર્ટીને કહું છું.

જે હાલમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો આવ્યા છે તેમાં તમામ 6 શહેરોમાં ભાજપની જીત થઇ છે. સુરતમાં પણ કોંગ્રેસને 1 પણ બેઠક નથી મળી જ્યારે આપને 27 બેઠકો મળી છે. હાર્દિકે કહ્યું કે જો તેમને સુરતમાં પ્રચાર કર્યો હોત તો શૂન્ય બેઠક તો નહીં જ આવી હતો. તેમણે કહ્યું કે પાર્ટીએ તેમને પ્રચાર બંધ થવાના 1 દિવસ પહેલા સુરતમાં રેલી કરવાનું કહ્યું. પરંતુ તેમણે ના પાડી દીધી કારણ કે તેમના બીજી જગ્યાએ કાર્યક્રમો નક્કી હતા. હાર્દિકે કહ્યું મારા કાર્યક્રમો 7 દિવસ પહેલાથી નક્કી હોય છે. એટલે છેલ્લી ઘડીએ હું કોઇ જગ્યાએ જઇ ન શકું.

જો તેમણે મને અગાઉથી કહ્યું હોત તો હું સુરતમાં 25 રેલીઓ કરતો અને પરિણામ જુદુ જ હોત. લોકો ઇચ્છે છે કે કોંગ્રેસ તેમના માટે લડે અને જો લડીએ તો તેઓ ભાજપને નહીં સ્વીકારે. અહેમદ પટેલને યાદ કરતા હાર્દિકે કહ્યું કે ભાજપે 291 બેઠકો તો લડ્યા વગર જ બિનહરીફ જીતી લીધી છે. જો અહેમદ ભાઇ હોત તો આવું તો ન થયું હોત. હાલમાં ગુજરાતમાં એવો કોઇ નેતા નથી જે એવું કહે છે તું કેમ ચિંતા કરે છે હું બેઠો છું ને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp