મ્યુકોરમાઇકોસીસ રોગ શું છે, તેના લક્ષણો શું છે, જાણો

PC: tv9marathi.com

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને શનિવારે સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સ્થિતિની સમીક્ષા સાથે કોરોના પછી દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસના વધી રહેલા વ્યાપ અંગે પણ સર્વગ્રાહી સમીક્ષા અને વિશદ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને આ રોગના નિયંત્રણ અને સારવાર માટે સંપૂર્ણ તકેદારી અને સજ્જતાથી સારવાર વ્યવસ્થાઓ તાકીદે ઊભી કરવા બેઠકમાં સૂચનાઓ આપી હતી. રાજ્યમાં વધતા જતા મ્યુકોરમાઇકોસીસ રોગના નિયંત્રણ તેમજ આ રોગથી સંક્રમિત થનારા દર્દીઓની સારવાર માટે આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડ્સ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

રાજ્ય સરકાર દ્વારા મ્યુકોમાયરોસિસની સારવાર માટે રૂ. 3 કરોડ 12 લાખના ખર્ચે એમ્ફોટિસીરીન B 50 Mgના 5000 ઇન્જેકશન ખરીદવા ઓર્ડર આપી દેવાયો છે. મુખ્યમંત્રીએ આ રોગનો વ્યાપ વધે નહિ તે માટે આરોગ્ય તંત્ર શહેરી અને જિલ્લા સ્તરે વિશેષ કાળજી લે તેવી તાકીદ પણ કરી હતી.

જવલ્લે જ જોવા મળતો મ્યૂકરમાઈકોસિસ ફુગથી થતો ગંભીર રોગ છે

મ્યૂકરમાઈકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યૂકરમાઈકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યૂકરમાઈકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે.

હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર , ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યૂકરમાઈકોસિસ રોગ થવાની સંભાવના વધુ છે. મ્યૂકરમાકોસિસ ફૂગ શરીરના કયા ભાગમાં પ્રસરી રહી છે તેના પર આ રોગના લક્ષણો નિર્ભર છે

આ રોગના લક્ષણો

એક બાજુનો ચહેરો સોજી જવો

માથાનો દુખાવો

નાક બંધ થવું કે સાઇનસની તકલીફ

મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો અને તેમાં વધારો થવો

આંખમાં દુખાવો,દ્રષ્ટિ ઓછી થવી

તાવ,કફ ,છાતીમાં દુખાવો

શ્વાસ રૂંધાવો, પેટનો દુખાવો

ઉબકા આવવા કે ઉલટી થવી

આંતરડામાં રક્તસ્ત્રાવ થવો , જેવા લક્ષણો જોવા મળે છે.

મ્યૂકરમાઈકોસિસથી બચવા N95 માસ્ક પહેરવું, વધુ પડતી ધૂળ સાથેનો સંસર્ગ ટાળવો, ત્વચા પર લાગેલો ઘા તરત જ સાબુ-પાણીથી સાફ કરવો જરૂરી છે.

મ્યૂકરમાઈકોસિસના ઉપચાર માટે ફૂગ પ્રતિરોધક દવાઓ જેવી કે એમ્ફોટેરિસિન-બી, પોસાકોનાઝોલ કે ઇસાવ્યુકોનાઝોલ ઉપયોગી છે. મ્યૂકરમાઈકોસિસની સારવાર માટે શરીરના ફૂગ-સંક્રમિત સ્નાયુ-કોષને સર્જરીથી દૂર કરવા પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp