રૂપાણી સરકારને પછાડી યોગી સરકાર બીજા ક્રમે પહોંચી ગઇ, GDPમાં ગુજરાત 5માં ક્રમે

PC: indiatimes.com

કોવિડકાળમાં જે આર્થિક વિકાસના દર પર અસર પડી છે તેમાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમે ફેંકાઇ ગયું છે. ગુજરાત પહેલા બીજા ક્રમે હતું તેની જગ્યા હવે યોગી આદિત્યનાથની સરકારે લઇ લીધું છે. મહારાષ્ટ્ર આજે પણ પહેલા નંબરે છે.

દેશમાં મહારાષ્ટ્ર અને ગુજરાત બન્ને રાજ્યો આર્થિક વિકાસની દૃષ્ટિએ વર્ષોથી અગ્રણી સ્થાન ભોગવે છે પરંતુ કોરોનાકાળમાં ગુજરાતને ફટકો પડ્યો છે. ફાયનાન્સ ડિપાર્ટમેન્ટના ડેટા મુજબ રાજ્યનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડ્કટ વર્ષ 2020-21માં ખાસ્સું ઘટી ગયું. જેમાં જુદા જુદા રાજ્યોના રેંકિંગમાં મોટો ફેરફાર આવી ગયો. મહારાષ્ટ્રે તો તેનો પહેલો ક્રમ જાળવી જ રાખ્યો છે પરંતુ સૌથી મોટો ચોંકાવનારો ફેરફાર ઉત્તરપ્રદેશની યોગી સરકારે કર્યો છે. યોગી સરકારે 10.48 લાખ કરોડના ઉત્પાદન સાથે પાંચમા ક્રમથી ઉપર ચડી બીજો ક્રમ મેળવી લીધો છે જે પહેલા ગુજરાતનો હતો. ગુજરાત હવે પાંચમા ક્રમે ફેંકાઇ ગયું છે.

જો જુદા જુદા રાજ્યોના જીએસડીપીની વાત કરીએ તો 3જા ક્રમે 19.2 લાખ કરોડ, કર્ણાટક 18.03 લાખ કરોડ અને ગુજરાત 17.4 લાખ કરોડનું ઉત્પાદન નોંધાવ્યો છે. હવે સવાલ એ થાય છે કે યોગી સરકાર બીજા ક્રમે કેવી રીતે આવી અને રૂપાણી સરકારે પછડાટ કેમ ખાધી. જાણકારો કહે છે કે યોગી સરકારે ત્યાં ઉદ્યોગોની સ્થાપના માટે વર્ષ 2018થી જ ખૂબ મહેનત કરી છે. ગુજરાતમાં જેમ વાઇબ્રન્ટ સમિટ થાય છે તેવા જ સમિટ યોજીને રૂ. 4.28 લાખ કરોડના એમઓયુ કર્યા અને તેમાંથી 3 લાખ કરોડનું મૂડીરોકાણ હાલ સુધી થઇ પણ ચૂક્યું છે. આ ઉદ્યોગો સ્થાપવાના કારણે કોરોનાકાળમાં ગુજરાતથી યુપી ગયેલા લાખો કામદારોમાંથી પાછા ગુજરાત આવ્યા નથી. તેઓ સ્કીલ્ડ કારીગરો છે અને યુપીમાં ઉદ્યોગોના વિકાસમાં મોટો ફાળો આપી શકે તેમ છે. આ ઉપરાંત યોગી સરકારે ખેડૂતોને આપવામાં આવતી સહાય કિસાન સન્માન નિધિના રૂપિયા યુપીના 2.37 કરોડ ખેડુતો સુધી પહોંચાડ્યા છે. જેના વખાણ આખા દેશભરમાં થઇ રહ્યા છે.

જ્યારે બીજી બાજુ ગુજરાતમાં લોકડાઉનનો સમય પૂરો થયા પછી ઔદ્યોગિક કામદારોની ખેંચ વર્તાઇ રહી છે. યુપી બિહારના કારીગરોને ત્યાં કામ મળી જતા તેઓ ઘર છોડીને પરત આવતા નથી. આ ઉપરાંત હાલમાં ગુજરાતમાં રહેલા કારીગરો પણ હવે તેમના વતન તરફ બધુ છોડીને જઇ રહ્યા હોવાની વાતો સંભળાય છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉનના સમયમાં જ યોગી સરકારે તેમના રાજ્યમાંથી બીજા રાજ્યોમાં કામ કરવા જતા કામદારોની માહિતી એકઠી કરવાનું કામ શરૂ કરી દીધું હતું તેમણે કહ્યું હતું કે આ કામદારોને તેઓ યુપીના વિકાસમાં મદદમાં લેશે.

આમ, હવે ગુજરાત સરકારે કામદારોને ગુજરાતમાં રોકવા અને નવા કામદારોને આકર્ષવા માટેના પ્રયત્નો વધારવાની જરૂર છે. કારણ કે દક્ષિણ ભારતમાંથી ઓડિશા અને આંધ્રમાંથી મોટાપાયે કામદારો ગુજરાત આવે છે પરંતુ તામિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોમાં જીડીપીનો દર વધતા કામદારો ત્યાં ડાઇવર્ટ થાય તો નવાઇ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp