તમે શું છૂપાવો છો તેવો પ્રશ્ન હાઇકોર્ટે કરતા સરકારને માફી માગવી પડી

PC: sabrangindia.in

કોરોના કેસ અને વણસેલી પરિસ્થિતિના સંદર્ભમાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને અનેક વેધક સવાલો કર્યા હતા જેના જવાબ ન હતા પરંતુ આદેશ પછી સરકારે આવા સવાલોના સંદર્ભમાં કાર્યવાહી કરવા ફરી એકવાર ખાત્રી આપી છે. તમે શું છુપાવો છો તેવો પ્રશ્ન હાઇકોર્ટે કરતાં સરકારને માફી માગવી પડી છે. અદાલતે ગુજરાત સરકાર સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ ખખડાવ્યું છે.

ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો કેસમાં સુનાવણી ચાલી રહી છે. આજે મંગળવારે સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે સરકારનો ઉઘડો લીધો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગઇકાલે હાઇકોર્ટમાં સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું જેમાં કોરોના સંક્રમણને રોકવા માટે શું પગલાં લેવાયા છે તેની માહિતી આપવામાં આવી હતી.

અમદાવાદમાં 108માં આવેલા દર્દીને જ દાખલ કરવામાં આવે છે એવું કેમ તેવા સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું કે તે નિર્ણય અમારો નહીં પણ કોર્પોરેશનનો હતો. આ જવાબ સાંભળી હાઇકોર્ટે સવાલોનો મારો ચલાવી કહ્યું કે શું રાજ્ય સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશન પર કોઇ અંકુશ ધરાવતી નથી? સરકાર કોર્પોરેશનની કામગીરી પર નજર રાખતી નથી? કોર્પોરેશન એ સરકારની પોલિસીનું પાલન કેમ કરતી નથી?  દર્દીઓને એમ્બ્યુલન્સ માટે 48 કલાક સુધી રાહ કેમ જોવી પડે છે?જિલ્લાઓમાં રેમડેસિવિરના ઇન્જેક્શન કેમ મળતાં નથી?.આ સિસ્ટમની સંપૂર્ણ નિષ્ફળતા છે.

હાઇકોર્ટે રેમડેસિવિર ઉપરાંત ઓક્સીજન મુદ્દે પણ સરકારને વેધક સવાલો કર્યા હતા. કોર્ટે પૂછ્યું કે માંગ પ્રમાણે ઇન્જેક્શન કેમ અપાતા નથી?... ઓક્સિજન પ્લાન્ટ કેન્દ્ર સરકારના ફંડમાંથી બની રહ્યાં છે પણ રાજ્ય સરકાર પોતાના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપી ન શકે?  આ સવાલના જવાબમાં એજી કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે ઓક્સિજન પ્લાન્ટ માટે રો-મટિરીયલ ભારતમાં ઉપલબ્ધ નથી. જેને આયાત કરવું પડે છે અને તેમાં બે થી ત્રણ મહિનાનો સમય લાગી જાય છે. રાજ્ય સરકાર 32 ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માગે છે.

અમદાવાદમાં દર્દીઓ માટે બેડ મળી રહ્યાં નહીં હોવાના મુદ્દે હાઇકોર્ટે રિયલ ટાઇમ બેડ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલને ખખડાવી નાંખ્યા હતા અને કહ્યું હતું કે હોસ્પિટલની આગળ બોર્ડ લગાવવાથી કંઇ થશે નહીં. દર્દીઓ દરબદર ભટકી રહ્યાં છે તેનું ધ્યાન રાખો. અમદાવાદ કોર્પોરેશન શું છૂપાવી રહી છે. રાજ્યની અન્ય કોર્પોરેશન કરી શકે તો અમદાવાદની કોર્પોરેશન કેમ કરી શકતી નથી. કોર્પોરેશનમાં મનમાની ચાલશે નહીં.

હાઇકોર્ટે અમદાવાદ કોર્પોરેશનની ઝાટકણી કાઢતાં કહ્યું કે આ કોર્પોરેશન રાજ્ય સરકારની અંડરમાં આવે છે. સરકારી એફિડેવિટમાં વકીલ પણ ખોટી માહિતી લઇને આવ્યા છે. આવી બેદરકારી કેમ કરો છો. તમારા સોર્સિંગ કેવા છે તેવો સવાલ પણ કોર્ટે કર્યો હતો. સરકાર ટેસ્ટીંગનો આંકડો બરાબર બતાવતી નથી. ટેસ્ટીંગ ઓછું થાય છે એ હકીકત છે. સરકાર વ્યવસ્થા કેમ વધારતી નથી તે સમજાતું નથી.

રેમડેસિવિર ઇંજેક્શન મુદ્દે સરકારે પોતાનો જવાબ રજૂ કરતા કહ્યું કે દર્દીની ગંભીરતા જોઈને રેમડેસિવિર અપાય છે. જેમાં છેલ્લા દિવસમાં અમદાવાદમાં 25.44% ઈન્જેકશન આપ્યા છે અને જિલ્લામાં 75% ઈન્જેકશન ફળવામાં આવ્યા છે. જેના જવાબમાં હાઇકોર્ટે કહ્યું કે અમદાવાદ એ રાજ્યનો એક ભાગ છે. રાજ્યના અન્ય જિલ્લાઓ અને શહેરો પણ મહત્વના છે. જિલ્લા પ્રમાણે છેલ્લા 15 દિવસ કે મહિનામાં તમે કોને કેટલા રેમડેસિવિર આપ્યાં છે તેની માહિતી આપવાની રહેશે.

આ સુનાવણીમાં વકીલ શાલીન મહેતાએ કહ્યું હતું કે અમદાવાદની ધનવન્તરી હોસ્પિટલમાં વોર્ડબોય દ્વારા દર્દીને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. સવારના એક કોલમાં તો સાંજે ચાર વાગ્યા પછી સારવાર આપવામાં આવી હતી. એડવોકેટ અમિત પંચાલે માહિતી આપી હતી કે ધનવન્તરી હોસ્પિટલ 900 બેડની છે પરંતુ તેમાંથી 641 બેડ કાર્યરત છે તેથી લોકોમાં ગેરસમજ ઉભી થાય છે. એડવોકેટ પરસી કવિનાએ સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે રાજ્યના નાના શહેરોમાં લોકો હેરાન થઇ રહ્યાં છે. આ જગ્યાએ ટેસ્ટીંગનો અભાવ છે. ટેસ્ટ રિપોર્ટ ત્રણ થી ચાર દિવસે મળે છે. નાના શહેરો અને ગામડાની હાલત ખરાબ છે. સરકારે ટેસ્ટની સંખ્યા ઘટાડી હોવાથી કેસોની સંખ્યા ઘટી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp