કેજરીવાલે કહ્યું ભાજપે બાનું લઇ લીધું છે એટલે કૃષિ બિલ પાછું નથી ખેંચાતું

PC: hindustantimes.com

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ મેરઠમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના મહાપંચાયતના સ્ટેજ પર પહોંચી ગયા હતા. ત્યાં તેમણે ખેડૂતોના આંદોલનને સમર્થન આપતા કહ્યું હતું કે ભાજપે તેના ઉદ્યોગપતિ મિત્રો પાસથી બાનુ લઇ લીધું છે એટલે કૃષિ બિલ પાછું નથી ખેંચવામાં આવતું.

કેજરીવાલે કહ્યું કે તેઓ જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમને એમ કહેવાયું કે જો તેઓ દિલ્હીમાં મફતમાં વીજળી આપશે તો વીજળીની મોટી મોટી કંપનીઓ તેમને છોડશે નહીં. આ કંપનીઓ બહુ જ પાવરફૂલ છે. એટલે તેમણે વીજળી બિલ માફ કરવાનો નિર્ણય પડતો મૂકવો જોઇએ. પરંતુ તેમણે મક્કમ રીતે નિર્ણય લીધો. કેજરીવાલે દાવો કર્યો કે દિલ્હીમાં હાલ 70 ટકા લોકોને વીજળી માટે રૂપિયા આપવા પડતા નથી. આ શક્ય છે પરંતુ તે માટે નીયત જોઇએ. તેમણે વધુમાં કહ્યું કે હું જો હાલ યુનિટ દીઠ 50 પૈસા પણ વધારી દઉં તો કંપનીઓ મને પાર્ટી ફંડ માટે રૂ. 200 કરોડ મોકલી આપશે. પરંતુ હું એવું ક્યારેય નહીં કરૂં.

મેરઠ પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં આવે છે અને ત્યાં શેરડીના ખેડૂતો મોટી સંખ્યામાં છે. કેજરીવાલે કહ્યું કે શુગરમીલો ખેડૂતોના રૂપિયા બબ્બે વરસ સુધી આપતી નથી. જો તેમની સરકાર આવશે તો ખેડૂત એકબાજુ શેરડી મિલમાં પહોંચાડશે અને તે ઘરે પહોંચી તે પહેલા તેના એકાઉન્ટમાં રૂપિયા આવી જશે.

આ પ્રસંગે તેમણે કહ્યું કે સરકાર એમએસપી ખતમ નથી થયું એમ કહે છે પરંતુ કોઇ ખેડૂતને એએસપીના રૂપિયા મળ્યા નથી. સરકાર કેમ એસએસપી નથી આપવા માગતી તે સમજ પડતી નથી. સરકાર કહે છે કે એસએસપી માટે રૂપિયા નથી પરંતુ આ તો ખેડૂતો પાસેથી અનાજ ખરીદવાની વાત છે. ખેડૂતો અનાજ આપશે અને તેના બદલામાં તેમને રૂપિયા મળશે. સરકાર તે અનાજ વેચીને રૂપિયા પાછા મેળવી શકે છે. જો એક બે લાખ કરોડ રૂપિયાનું નુક્સાન જાય તો પણ શું વાંધો છે. સરકારે ઉદ્યોગપતિઓના 8 લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા છે.

તેમણે એવો આરોપ લગાવ્યો કે કૃષિ બિલથી ખેડૂતો બર્બાદ થઇ જશે અને ભાજપ સરકારના ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો થવાનો છે. સરકારે તેના ઉદ્યોપગતિ મિત્રો પાસેથી બાનુ લઇ લીધું છે એટલે જ કૃષિ બિલ પાછું નથી ખેંચતી.
આ સભામાં એક વાત ધ્યાન ખેંચાય તેવી હતી કે ત્યાં મંચ પરથી કેજરીવાલ જિંદાબાદના નારા લાગ્યા અને એવું પણ બોલાયું કે દેશના નેતા કૈસા હો, કેજરીવાલ જૈસા હો. આમ, કેજરીવાલ એક બાજુ ઉત્તરપ્રદેશમાં પોતાની પાર્ટીને ફેલાવવા માગે છે અને તે માર્ગે દેશના પ્રધાનમંત્રી સુધીની સફર પૂરી કરવા માગતા હોય તેવું લાગતું હતું. કેજરીવાલે આ સભામાં કહ્યું કે તેમણે આંદોલન કરી રહેલા ખેડૂતો માટે પાણી, ટોયલેટ અને વાઇફાઇ સુધીની સુવિધાઓ કરી આપી હતી. કેન્દ્ર સરકારે જ્યારે દિલ્હીના સ્ટેડિયમ ખેડૂતોની ધરપકડ કરીને પૂરવા માટે માગ્યા તો તેમણે તેની સાફ ના પાડી દીધી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp