ઉતાવળમાં ભાજપના કાર્યકરોની ગરબડ,લોકસભા ઉમેદવારને બદલે બીજાને જ માળા પહેરાવી દીધી

PC: twitter.com/irameshawasthi

લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને ભાજપે ઉત્તર પ્રદેશના કાનપુરથી રમેશ અવસ્થીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટીએ વર્તમાન સાંસદ સત્યદેવ પચૌરીની ટિકિટ કાપીને અવસ્થીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આવી સ્થિતિમાં રમેશ અવસ્થી બુધવારે બપોરે ટ્રેન દ્વારા કાનપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ ભાજપના કાર્યકરોએ ઉતાવળમાં ગરબડ કરી નાંખી.

રમેશ અવસ્થીના સ્વાગતમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં સ્ટેશન પર હાજર રહ્યા હતા. એવામાં શતાબ્દિ ટ્રેન સ્ટેશન પર આવી તો કાર્યકરો રમેશ અવસ્થીને માળા પહેરાવવામાં એવા ઉતાવળા થયા કે ટ્રેનમાંથી ઉતરેલા એક વ્યકિતને માળા પહેરાવી દીધી.

ટ્રેનમાંથી ઉતરેલા વ્યકિતને માળા પહેરાવીને ભાજપના કાર્યકરોએ તો નારેબાજી પણ શરૂ કરી દીધી. થોડી વાર પછી ખબર પડી કે જે વ્યકિતને માળા પહેરાવી તે રમેશ અવસ્થી નથી, રમેશ અવસ્થી તો પાછળ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. યૂઝર્સ કહી રહ્યા છે કે પોતાના જ ઉમેદવારને ભાજપના કાર્યકરો ઓળખી શક્યા નહીં.

કાનપુર લોકસભા બેઠક પરથી ભાજપે આ વખતે રમેશ અવસ્થી પર દાવ રમ્યો છે. રમેશ અવસ્થી વરિષ્ઠ પત્રકાર છે. તેમણે તાજેતરમા જ સહારા ગ્રુપમાંથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામા પછી ભાજપે તેમને કાનપુર સીટ પરથી ટિકિટ આપી છે. પાર્ટીએ આ વખતે સત્યદેલ પચૌરીનું પત્તુ કાપી નાંખ્યું છે. પચૌરી 2019માં લોકસભા સાંસદ બન્યા હતા.

કાનપુર લોકસભા સીટ માટે 13 મેના રોજ મતદાન થશે, જ્યારે મતગણતરી 4 જૂને થશે. કાનપુર લોકસભા સીટમાં ગોવિંદ નગર, સિસામાઉ, આર્યનગર, કિદવાઈ નગર અને કાનપુર કેન્ટ વિધાનસભા બેઠકો છે. ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ 2014માં કાનપુર સીટ જીતી હતી. તેમના પહેલા આ બેઠક કોંગ્રેસના પ્રકાશ જયસ્વાલે સતત ત્રણ ટર્મથી જીતી હતી.

બુધવારે બપોરે રમેશ અવસ્થી ટ્રેન દ્વારા કાનપુર સ્ટેશન પહોંચ્યા હતા. કાર્યકરો તેમની કલાકો સુધી તેની રાહ જોતા હતા. સ્ટેશન પર શતાબ્દિ ટ્રેન આવતાની સાથે જ રમેશ અવસ્થી જેવો દેખાતો વ્યક્તિ ટ્રેનમાંથી બહાર આવ્યા હતા.કાર્યકરોએ તેમને રમેશ અવસ્થી સમજી લીધા હતા. ત્યારબાદ કાર્યકરોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા અને તેમના પર ફૂલોની માળા વરસાવી હતી. ભાજપના કાર્યકરોએ જેમને રમેશ અવસ્થી સમજીને ફુલોની માળા પહેરાવી હતી તે હકિકતમાં ભાજપના રાજ્યસભા સાંસદ બાબુરામ નિષાદ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp