નંદીગ્રામને લઈ મમતાનું ચોંકાવનારું નિવેદન, કહ્યું-ચૂંટણી અધિકારીને અપાઇ હતી ધમકી

PC: ndtv.com

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સનસનીખેજ દાવો કર્યો છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે, મને નંદીગ્રામના ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે ફરીથી મતગણતરી તેમની જિંદગી જોખમમાં નાખી શકે છે, આથી ફરી મતગણતરી ન કરાવવામાં આવી. મમતા બેનર્જીએ અહીં એક સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે, નંદીગ્રામમાં ચૂંટણી પરિણામને તેઓ કોર્ટમાં પડકાર આપશે, જ્યાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર શુભેન્દુ અધિકારીથી હારી ગયા છે.

મમતા બેનર્જીએ નંદીગ્રામ ચૂંટણી અધિકારી દ્વારા CEO કાર્યાલયને મોકલવામાં આવેલા એક કથિત SMSને સાર્વજનિક કરતા દાવો કર્યો કે, તેમણે એવી શંકા વ્યક્ત કરી હતી કે જો તેઓ ફરીથી મતગણતરીનો આદેશ આપશે તો તેમણે ગંભીર પરિણામ ભોગવવા પડશે અને આત્મહત્યા પણ કરવી પડી શકે છે. તેમણે કહ્યું કે ચૂંટણી આયોગ દ્વારા ઔપચારિક રૂપે જાહેરાત કર્યા બાદ નંદીગ્રામના પરિણામ કઈ રીતે બદલાઈ શકે છે? તેની વિરુદ્ધમાં અમે કોર્ટમાં જઈશું. સર્વર 4 કલાક સુધી ડાઉન કેમ હતું? અમે જનાદેશ સ્વીકારવા માંગતા હતા, પરંતુ એક જગ્યાના પરિણામમાં ગરબડ છે. તો જે પ્રતીત થાય છે તેની વિરુદ્ધ કંઈક બીજું છે. અમારે હકીકત જાણવી છે.

મમતા બેનર્જીએ કેટલીક જગ્યાઓ પર હિંસાના સમાચારો વચ્ચે પોતાના સમર્થકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી અને કહ્યું કે કોઈના ઉશ્કેરાટમાં ન આવો. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્રીય બળોએ ચૂંટણી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સમર્થકો પર ખૂબ અત્યાચાર કર્યા. પરિણામ જાહેર થાય બાદ પણ BJPએ કેટલાક વિસ્તારમાં તેમના સમર્થકો પર હુમલો કર્યો, પરંતુ પોતાના લોકોને કોઈ ઉશ્કેરાટમાં ન આવવાની અપીલ કરી અને તેની પોલીસને જાણકારી આપવા માટે કહ્યું.

મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ચૂંટણી દરમિયાન કેટલાક પોલીસ અધિકારીઓએ ભેદભાવ કરતા તૃણમૂલ કોંગ્રેસ વિરુદ્ધ કામ કર્યું. ચૂંટણી આયોગ પર પ્રહાર કરતા તેમણે દાવો કર્યો કે જો ચૂંટણી આયોગે સહયોગ ન કર્યો હોત તો BJP 50નો આંકડો પાર ન કરી શકી હોત. મુખ્યમંત્રીએ ફરી એકવાર માંગણી કરી કે દેશના દરેક નાગરિકને નિઃશુલ્ક વેક્સીન આપવામાં આવવી જોઈએ. તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળની ચૂંટણી કોરોનાને ધ્યાનમાં લઈને 8 ચરણમાં કરવામાં આવી હતી. આ ચૂંટણીના પરિણામો 2 મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં તૃણમૂલ કોંગ્રેસને 214 અને BJPને 76 સીટ મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp