કેટલાક દેશ મુશ્કેલીમાં છે ત્યારે PMના નેતૃત્વમાં ભારતે વિકાસકૂચ ચાલુ રાખી છેઃ CM

PC: Khabarchhe.com

CM વિજયભાઇ રૂપાણીએ ભારત સરકારના નાણાં મંત્રીએ રજુ કરેલા કેન્દ્રીય બજેટને આવકાર્યુ છે. CMએ આ બજેટ અંગેની પ્રતિક્રિયા આપતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોનાની મહામારીમાં વિશ્વ આખું સ્થગિત થઇ ગયેલું છે. એટલું જ નહીં, ઘણા દેશો આર્થિક મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યા છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વ, દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનમાં ભારતે કોરોના કાળમાં પણ વિકાસ જારી રાખ્યો છે.

રજુ થયેલા કેન્દ્રીય બજેટમાં આત્મનિર્ભર ભારતની છબિ ભલિભાંતિ ફલિત થાય તેવું આ બજેટ આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રકચર, સર્વગ્રાહી વિકાસ, ઇનોવેશન અને આર. એન્ડ ડી, મિનિમમ ગર્વમેન્ટ મેકસીમમ ગર્વનન્સના ધ્યેય સાથે વિકાસ કેન્દ્રી બજેટ છે, એમ પણ CMએ ઉમેર્યુ હતું. વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ખેડૂત, યુવારોજગારી, મહિલા વિકાસ અને MSME નાના-મધ્યમ કદના ઊદ્યોગો માટે આ બજેટમાં વિશેષ ચિંતા કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રકચર વૃદ્ધિ માટે, આરોગ્ય સુવિધાના વિકાસ માટે પણ પ્રાવધાન દ્વારા સૌના આરોગ્યની, સામાન્ય માનવીના જીવનની સુખાકારીની કાળજી લેવામાં આવી છે. CMએ ઉમેર્યુ કે, આરોગ્ય યોજનાઓ માટે 6પ હજાર કરોડ રૂપિયાની ફાળવણી સાથે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્વાસ્થ્ય કેન્દ્રોના મજબૂતીકરણ, તમામ રાજ્યોના હેલ્થ ડેટા તૈયાર કરવા તેમજ કોરોના જેવી મહામારી, વાઇરસ જન્ય રોગો સામે ભવિષ્યમાં લડવાની તાકાતમાં વધારો કરવા દેશભરમાં 4 નવી નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વાઇરોલોજી કાર્યરત કરવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત પણ મહત્ત્વની છે.

CM વિજયભાઇ રૂપાણીએ આ બજેટથી ગુજરાતને થનારા વિશેષ લાભોની છણાવટ કરતાં જણાવ્યું કે, બજેટ-2021થી ગુજરાતના ગિફ્ટ સિટીને ખૂબ લાભ થવાનો છે. BSE - NSEમાં રોકાણકર્તાઓને એમના વિદેશી મૂડીરોકાણ પરના ટેક્સમાં રાહત આપવામાં આવી છે. ઉપરાંત, એરક્રાફ્ટ લિઝિંગ કંપનીઓને પણ કેપિટલ ગેઇનમાં લાભ મળશે. નવી નવી એરક્રાફ્ટ લિઝીગ કંપનીઓ ગુજરાતમાં આવશે. ખાસ કરીને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર ગિફ્ટ સિટીમાં બેન્કીંગ યૂનિટમાં રોકાણ કરશે તેમને કેપિટલ ગેઇન ટેક્સમાં જે છૂટ આપવામાં આવી છે તેનાથી પણ ગિફ્ટ સિટીને વધુ વેગ મળશે. ઇન્વેસ્ટમેન્ટ ફંડને મળેલા પ્રોત્સાહનને કારણે આવનારા દિવસોમાં ગિફિટ સિટીમાં ખુબ રોકાણ આવશે એવી આશા તેમણે વ્યકત કરી હતી.

CM વિજય રૂપાણીએ એસ્પિરેશનલ જિલ્લામાં લેબોરેટરી બનવાથી સામાન્ય લોકોને સ્થાનિક કક્ષાએ આરોગ્ય તપાસની સુવિધાઓ મળી રહેશે તેમ ઉમેર્યું હતું. આ બજેટ આપત્તિને અવસરમાં પલ્ટાવનારૂં બજેટ છે એમ તેમણે કહ્યું હતું. CMએ કહ્યું કે, દેશમાં 100 સૈનિક સ્કૂલ અને 750 એકલવ્ય મોડલ શાળા નિર્માણ કરવાના નિર્ણયથી વનબંધુ સહિત તમામ વર્ગના યુવાનો માટે શિક્ષણ અને કારકિર્દીના ક્ષેત્રે નવી ક્ષિતિજો ખુલી છે. CMએ સૌ પ્રથમ વખત ડિજિટલી વસ્તી ગણતરી અને જુના ભારે વાહન સ્ક્રેપ કરવાની પોલિસીને વિશેષ ગણી આવકારી હતી. તેઓએ ‘જલ જીવન મિશન-2.0’ અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની અંદાજપત્રીય જોગવાઈઓને પણ મહત્ત્વપૂર્ણ ગણાવી હતી.

CMએ જણાવ્યું કે, નાબાર્ડ ઉપરાંતની માઈક્રો ઈરીગેશન માટેની નાણાકીય જોગવાઇ અને એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ આધુનિક ખેતીના વિકાસ માટે સરકારના અભિગમને સ્પષ્ટ કરે છે. CMએ દેશમાં વધુ એક કરોડ લોકોને ઉજ્જ્વલા યોજનાનો લાભ આપવાનો નિર્ણય તથા 7 નવા ટેક્સટાઇલ મેગા ઇન્વેસ્ટમેન્ટ પાર્ક અને એમ.એસ.એમ.ઇ ક્ષેત્ર માટેની રૂ. 15000 હજાર કરોડની નાણાંકીય જોગવાઈ ગુજરાતને પણ લાભદાયી નીવડશે તેવો મત વ્યક્ત કર્યો હતો.

CM વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, રેલવેમાં 100% બ્રોડગ્રેજ ઇલેક્ટ્રીફિકેશનના સંકલ્પથી ટ્રેનો ઝડપથી ચાલે તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે કેવડિયામાં માટેની ટ્રેન સહિતની ટ્રેનોમાં વિસ્ટા ડોમ કોચ છે તેની સંખ્યામાં વધારો કરવાની જોગવાઇ પણ મહત્ત્વનું કદમ છે. CMએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતના દરિયા કિનારાને ધ્યાનમાં રાખીને પણ આ બજેટમાં વિશેષ જોગવાઇ કરવામાં આવી છે ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ આવનારા સમયમાં ગુજરાતને લાભ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp