ખાનગી લક્ઝરી બસના સંચાલકોએ શરૂ કરી લૂંટઃ પોલીસ અજાણ..!

PC: Khabarchhe.com

સુરતથી સૌરાષ્ટ્ર અને અન્યત્ર જનારા યાત્રિકો પાસેથી ખાનગી લક્ઝરી બસના સંચાલકોએ રીતસર લૂંટ આદરી દીધી છે ને આ વાતથી પોલીસ તદ્દન અજાણ છે! ડિઝલના ભાવ વધ્યા હોવાની વાતને લઈ લક્ઝરી બસના સંચાલકોએ ભાવ વધારો કર્યો એ સહજ છે પણ કોરોનાના કારણે વતન જનારા વ્યક્તિની લાચારીનો ગેરફાયદો ઉઠાવી વધુ ભાવ લેવામાં આવી રહ્યા હોવાની વાતને લઈ લોકોમાં ભારે રોષ પ્રસર્યો છે.

સુરતની વાત કરીએ તો સુરતમાંથી પ્રતિદિન 500થી વધુ ખાનગી લક્ઝરી બસ સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં અવર જવર કરે છે. જેમાં દરરોજના હજારો લોકો આવન-જાવન કરે છે. તેવી સ્થિતિમાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સુરતથી ગોરખપુર જતી બસમાં 56ની જગ્યાએ 120 મુસાફરોને બેસાડ્યા હોવાનું અને ગોરખપુરની ટિકિટ એક વ્યક્તિ દીઠ રૂ. 2100 લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય સંજોગોમાં સુરતથી ગોરખપુર જવા માટે આશરે રૂ. 1500થી 1600 ટિકિટ છે. જેની જગ્યાએ અત્યારે 2100 વસૂલવામાં આવી રહ્યા છે.

આ બાબતે ટ્રાફિક શાખાના નાયબ પોલીસ કમિશનર પ્રશાંત શુંબેનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે આવી કોઇ ફરિયાદ મારા સુધી પહોંચી નથી. મારા ધ્યાન પર આવી હકીકત આવશે તો ચોક્કસ કડક હાથે કામગીરી કરવામાં આવશે. કોરોનામાં લોકોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવનારાને છોડવામાં નહીં આવે.

તો ખાનગી લક્ઝરી બસ અસોસિએશનના પ્રમુખ દિનેશ અણઘણનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે કોઇએ વધુ ભાવ લીધો નથી. ડિઝલના ભાવ વધ્યા એટલે પ્રતિ કિલોમીટર દીઠ એક વ્યક્તિ પ્રમાણે 20 પૈસાનો વધારો કરાયો છે. આનાથી વધુ પૈસા કોઇએ લીધા હોય તેવું ધ્યાનમાં નથી.

તો ટ્રાવેલના વ્યવસાય સાથે સંકળાયેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે કેટલાક કિસ્સામાં રિક્ષાચાલકો મુસાફરને લઈને એજન્ટ પાસે જાય છે. જેમાં એજન્ટ અને રિક્ષાવાળાને પૈસા કમાવવાના હોવાથી વધુ રકમ લેવાતી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

ભલે ટ્રાફિક પોલીસ કે એસોસિએશનના પ્રમુખ આ વાતથી અજાણ હોય પણ વાસ્તવિકતા એ છે કે વીડિયો વાયરલ થયો છે તેમાં વધુ મુસાફરો ભર્યા હોવાનું સ્પષ્ટ થાય છે. વળી, ટિકિટના ભાવ પણ વધુ લેવાયા હોવાનું દર્શાવાયું છે. તેવી સ્થિતિમાં લક્ઝરી બસના સંચાલકોએ લોકોની મજબૂરીનો ગેરલાભ લેવાનું શરૂ કરી દીધું છે ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી પ્રજાની હાડમારી ઓછી કરવામાં આવે તે જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp