વાહનો ભાડે લેવામાં સરકાર લાખના બાર હજાર કરે છે, જાણો કેવી રીતે?

PC: connectgujarat.com

ગુજરાત સરકારે નોકરીમાં આઉટસોર્સિંગ કરી નાંખ્યું છે તેવી રીતે સરકારી વાહનો ખરીદવાની જગ્યાએ આઉટસોર્સિંગથી લેવાનું પણ ચાલુ રાખ્યું છે, જો કે સરકારના પોતાના વાહનો કરતાં ભાડે લેવામાં આવતા વાહનોનું ભાડું વધારે જોવા મળ્યું છે. આઉટસોર્સિંગમાં સરકાર લાખના બાર હજાર કરતી હોય તેવી છાપ ઉપસી આવી છે.

સરકારી કચેરીઓમાં હાલની સ્થિતિએ આઉટ સોર્સિંગ એજન્સીઓ મારફતે વહીવટ થઇ રહ્યો છે. સરકારી કચેરીઓમાં પ્રાઇવેટ વાહનો ભાડે રાખવામાં આવી રહ્યાં છે અને તેનું ભાડું ચૂકવવામાં આવે છે. સચિવાલય અને સરકારી કચેરીઓમાં વાહનો ભાડે રાખવાથી નવા વાહન લેવાના ખર્ચમાં બચત થાય તે તેવો દાવો વિભાગો કરતા હોય છે પરંતુ એકમાત્ર આરોગ્ય અને પરિવાર કલ્યાણના આંકડા જોઇને ચોકી જવાય છે. આ વિભાગમાં આવેલી કચેરીઓમાં ખાનગી વાહનો ભાડે રાખ્યા પછી બે વર્ષમાં કુલ 15.39 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગની નેશનલ હેલ્થ મિશન, અધિક નિયામક, તબીબી શિક્ષણ, સીઇઓ, જીએમઇઆરએસ, મુખ્ય ઇજનેર, પીઆઇયુ, આયુષ નિયામક તેમજ જીએમએસસીએલના એમડીની કચેરીમાં 2019ના વર્ષમાં 270 અને 2020ના વર્ષમાં 274 ખાનગી વાહનો ભાડે રાખવામાં આવ્યા હતા. આ વાહનો રાજ્યની વિવિધ 22 એજન્સીઓ મારફતે ભાડે લેવામાં આવ્યા હતા.

આરોગ્યના માત્ર સાત વિભાગો માટે વાહનો ભાડે રાખવાનો વાર્ષિક ખર્ચ સાત થી આઠ કરોડ રૂપિયા આવતો હોય છે. જો એક વાહનની કિંમત માત્ર 10 લાખ રૂપિયા ગણવામાં આવે તો પણ આટલી રકમમાં તો વિભાગ 70 થી 80 વાહનો ખુદના ખરીદી શકે છે. સરવાળે વાહનો ભાડે લેવાના ખર્ચની સરખામણીએ પોતાનું વાહન લેવું વધારે હિતાવહ છે અને સસ્તું પડે છે.

ખાનગી વાહનો એજન્સીઓ પાસેથી ભાડે લેવાનું આ એક વિભાગ પુરતું મર્યાદિત નથી પરંતુ રાજ્યના મોટાભાગના સરકારી વિભાગોમાં વાહનો ભાડે લેવામાં આવે છે. આ વાહનો જ્યારે ભાડે લેવામાં આવે છે ત્યારે ખાનગી હોવા છતાં તેની આગળ અને પાછળ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખવામાં આવતું હોય છે કે જેથી પોલીસ કે સુરક્ષા કર્મચારી આ વાહનને રોકી શકે નહીં.

ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખવામાં આવે તેની સામે વાંઘો નથી પરંતુ આ ખાનગી વાહન ભાડે આપતી એજન્સીનો કોન્ટ્રાક્ટ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે આ વાહન પર લખવામાં આવેલું ગવર્મેન્ટ ઓફ ગુજરાત દૂર કરવામાં આવતું હોતું નથી, જેથી તે ખાનગી વાહનનો દુરપયોગ પણ થઇ શકે છે. સરકારના સામાન્ય વહીવટ વિભાગનો આદેશ છે કે જ્યારે વાહન સરકારી કામમાંથી મુક્ત થાય છે ત્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું લખાણ દૂર કરવું જોઇએ પરંતુ હકીકતમાં તે દૂર થતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp