તાજમહેલ કરતા વધુ લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવે છેઃ અમિત શાહ

PC: pib

ભારત સરકારની પ્રેસ રીલિઝ મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ‘સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ’નો શિલાન્યાસ કર્યો હતો. તેમણે અમદાવાદમાં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’નું ઉદ્ગાટન પણ કર્યું હતું આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્ય કક્ષાના કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજિજૂ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

સ્ટેડિયમના ઉદ્ઘાટન અને સ્પોર્ટ્સ એન્ક્લેવના શિલાન્યાસ માટે રાષ્ટ્રપતિનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આજનો દિવસ ભારતના રમતગમતના ઇતિહાસનો સોનેરી દિવસ છે. આજે રાષ્ટ્રપતિજીના હસ્તે લોખંડીપુરુષ ભારતરત્ન સરદાર પટેલજીના નામે એક મોટા સ્પોર્ટ્સ એન્ક્લેવનો શિલાન્યાસ થયો છે. અમિત શાહે જણાવ્યું હતું કે, અત્યાધુનિક વિશ્વ સ્તરીય સુવિધાઓથી સંપન્ન દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ હશે. આ સ્ટેડિયમમાં 1.32 લાખ દર્શકો મેચનો રોમાંચ માણી શકશે. સ્ટેડિયમમાં 11 પિચ છે, જે વિશ્વના અન્ય કોઈ સ્ટેડિયમમાં નથી. ચાર ડ્રેસિંગ રૂમની સાથે ગમે એટલો વરસાદ થાય તો પણ વરસાદ બંધ થયા પછી અડધા કલાકમાં મેચમાં આગળની રમત શરૂ થઈ શકશે. સ્ટેડિયમમાં એવા પ્રકારની એલઇડી લાઇટ લગાવવામાં આવી છે, જેથી ખેલાડીઓનો પડછાયો પિચ પર નહીં પડે અને 40 ટકાથી 50 ટકા વીજળીની બચત પણ થશે. તેમણે ઉમેર્યું હતું કે, સ્ટેડિયમમાં એક હાઈ ટેક મીડિયા રૂમ પણ બનાવવામાં આવ્યો છે, જે અહીં આયોજિત રમતને દુનિયાભરમાં પહોંચાડશે.

અમિત શાહે કહ્યું હતું કે, આ એક અતિ ઐતિહાસિક સ્ટેડિયમ છે અને અહીં અનેક વિશ્વવિક્રમો સ્થાપિત થયા છે. તેમણે જણાવ્યુ હતું કે, આજે આ સ્ટેડિયમમાં પહેલી વાર પિંક બોલથી મેચ રમાશે. અમિત શાહે કહ્યું હતું કે, આ જ મેદાન પર મહાન ક્રિકેટર કપિલદેવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 431 વિકેટ લેવાનો રિચર્ડ હેડલીનો રેકોર્ડ તોડ્યો હતો. આ જ મેદાન પર લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કરે 10,000 રન પૂરા કર્યા હતા અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે વન ડે મેચોમાં 18,000 રન અને ક્રિકેટ કારકિર્દીમાં પોતાના 20 વર્ષ પૂર્ણ કર્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, અહીં આકાર લેનાર સરદાર વલ્લભભાઈ સ્પોર્ટ્સ એન્ક્લેવ એક મહત્વાકાંક્ષી યોજના છે. તેમણે કહ્યું હતું કે, 233 એકર જમીનમાં આકાર લેનાર આ દેશનું સૌથી મોટું સ્પોર્ટ્સ એન્ક્લેવ હશે. એમાં આંતરરાષ્ટ્રીય સ્તરની તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. એન્ક્લેવમાં નારણપુરામાં 18 એકરમાં આકાર લેતું એક નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ સામેલ છે. અમિત શાહે જણાવ્યું હતું કે, સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને નારણપુરામાં બનતું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ – આ ત્રણે મળીને કોઈ પણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં આયોજિત તમામ રમતોની સંપૂર્ણ વ્યવસ્થા એક જ શહેરીમાં એક જ જગ્યા પર ઉપલબ્ધ થશે, જે અમદાવાદ માટે ગૌરવની વાત છે. અહીં 250 કોચને રહેવા માટેની વ્યવસ્થા હશે અને 3,000 બાળકો એકસાથે તાલીમ મેળવી શકશે. અમિત શાહે કહ્યું હતું કે, કોમનવેલ્થ રમતોત્સવ હોય કે ઓલિમ્પિક હોય, અમદાવાદ એના આયોજન માટે 6 મહિનાની અંદર તૈયાર થઈ જશે. આ પ્રકારની માળખાગત સુવિધાઓના નિર્માણની શરૂઆત આજે અહીં થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે સેવેલું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે અને અમદાવાદ ભારતમાં સ્પોર્ટ્સ સિટીના નામે ઓળખાશે.

અમિત શાહે જણાવ્યું હતું કે, અવરજવર કરવા માટે બીઆરટીએસ અને મેટ્રો પણ અહીં સુધી પહોંચશે અને જ્યારે રિવરફ્રન્ટનું એક્સટેન્શન પૂર્ણ થશે, ત્યારે નર્મદા અને સાબરમતીના નીર હંમેશા અહીં શાંતિ અને શીતળતા પ્રદાન કરતા રહેશે. અમિત શાહે કહ્યું હતું કે, ગાંધીનગર અને અમદાવાદના ગ્રામીણ જિલ્લાની 600થી વધારે શાળાઓને એની સાથે જોડાવામાં આવશે, જેથી જે શાળાઓ પાસે પોતાના રમતના મેદાનો નથી, એના બાળકોને રમવાની સુવિધાઓ મળી શકશે. અઠવાડિયામાં એક દિવસ બાળકો આખો દિવસ રમશે, ભોજન કરશે અને સાંજે સુરક્ષિત રીતે તેમના ઘરે પરત ફરશે. તેમણે કહ્યું હતું કે, સરદાર સ્પોર્ટ્સ સંકુલમાં કુલ 20 સ્ટેડિયમ બનશે અને જે ખેલાડીઓએ દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપનાવી છે એ તમામના નામ પર આ સ્ટેડિયમનું નામકરણ કરવામાં આવશે, જેથી રમતને પ્રોત્સાહન આપનાર લોકોને પણ પ્રેરણા મળશે. અહીં લગભગ 3,000 એપાર્ટેમેન્ટ બનશે, જેમાં 12,500 બાળકો રહી શકશે.

અમિત શાહે કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ એન્ક્લેવ બનાવીને મોદીએ સરદાર પટેલ પ્રત્યે વિશેષ શ્રદ્ધા પ્રકટ કરી છે. સરદાર પટેલનું યોગદાન આઝાદી પછી દેશને એકતાંતણે બાંધવામાં રહ્યું છે, કદાચ સરદાર ન હોત તો આપણો દેશ અનેક ટુકડાઓમાં વિભાજીત થઈ ગયો હોત, પણ તેમની સાથે ઇતિહાસમાં બહુ અન્યાય થયો છે. નરેન્દ્ર મોદીએ એવી વ્યવસ્થા કરી છે કે, કોઈ ગમે એટલા વર્ષ શાસન કરે યુગો યુગો સુધી સરદારનું નામ અમર રહેશે. ગુજરાતના સપુત અને દેશના લોખંડીપુરુષ સરદાર પટેલના નામ પર સૌથી મોટું સ્ટેચ્યૂ બનાવવામાં આવ્યું છે. અત્યારે તાજમહેલ કરતાં વધારે લોકો સરદાર પટેલની પ્રતિમા જોવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવે છે. નરેન્દ્ર મોદીની પ્રેરણાથી જ અહીં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ બની રહ્યું છે, જે આગામી ઘણાં વર્ષો સુધી દેશભરના બાળકોને દુનિયાની રમત સ્પર્ધાઓને આગળ વધારવા માટે એક બહુ મોટું પ્લેટફોર્મ આપવાનું કામ કરશે.

ઓલિમ્પિકમાં રમાતી એક પણ એવી રમત નહીં હોય, જેની સુવિધા અહીં પ્રાપ્ત નહીં થાય. આ કોમ્પ્લેક્સ તમામ આંતરરાષ્ટ્રીય માપદંડો અને રમતના ઉચ્ચ ધારાધોરણો અનુસાર તૈયાર કરવામાં આવી છે અને ભારતના અન્ય કોઈ પણ શહેરમાં આ પ્રકારની વ્યવસ્થા નથી. અમિત શાહે કહ્યું હતું કે, પ્રોજેક્ટનો કુલ ખર્ચ 4,600 કરોડ રૂપિયા થશે, જેમાં રૂ. 3,200 કરોડ સરકારી રોકાણ હશે અને રૂ. 1,400 કરોડ રૂપિયા પબ્લિક પાર્ટનરશિપના હશે.

અમિત શાહે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્પોર્ટ્સ માટે જે વિઝન છે એની ચર્ચા અહીં ન કરવામાં આવે તો વાત અધૂરી રહેશે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ગુજરાતમાં વિવિધ રમતને પ્રોત્સાહન આપવા માટે અનેક મહત્વપૂર્ણ પહેલો કરી હતી. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત ક્રિકેટ એસોસિએશના અધ્યક્ષ બન્યાં હતાં, ત્યારે તેમણે ક્રિકેટની સાથે સાથે અન્ય તમામ રમતોને પ્રોત્સાહન આપવાનું વિઝન પ્રસ્તુત કર્યું હતું. પ્રધાનમંત્રી બન્યા પછી તેમણે એને આગળ વધાર્યું છે. અમિત શાહે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું માનવું છે કે, જ્યાં સુધી યુવાનો રમતોમાં આગળ નહીં વધે, ત્યાં સુધી તેઓ કશું નહીં કરે શકે. એટલે પ્રધાનમંત્રીએ ખેલો ઇન્ડિયાની શરૂઆત કરી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યુ હતું કે, પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ સ્પોર્ટ્સ એન્ક્લેવ બનાવીને તેમના સંસદીય વિસ્તારને એક બહુ મોટી ભેટ ધરી છે. અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યારે એશિયાઈ કે ઓલિમ્પિક રમતોમાં ભારતીય ખેલાડીઓ સુવર્ણ અને રજત ચંદ્રકના ટેબલમાં દેખાશે, એ દિવસો દૂર નથી. તેમણે યુવાનોને અપીલ કરી હતી કે, પ્રધાનમંત્રીએ આત્મનિર્ભરતાનો જે મંત્ર આપ્યો છે એ અંતર્ગત દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર થવું જરૂરી છે. દેશના યુવાનોએ રમતોમાં પણ આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરવો જોઈએ. અમિત શાહે ઉમેર્યું હતું કે, જો યુવાનો રમતોમાં આગળ આવે અને એમાં પોતાની કારકિર્દી બનાવે, તો સરકાર તેમને શક્ય તમામ મદદ કરશે. તેમણે એવું પણ કહ્યું હતું કે, રમતગમતમાં સફળતાથી દુનિયાભરમાં ભારતની પ્રતિષ્ઠા વધશે. તેમણે માતા-પિતાઓને અપીલ કરી હતી તેઓ તેમના બાળકોનો રસ રમતગમતમાં વધારવા અહીં મોકલવાનો સંકલ્પ કરે. તેમણે માતાપિતાઓને એવું પણ કહ્યું હતું કે, જો બાળકોને મેદાનમાં રમવા દેશો, માટી સાથે રમવા દેશો, તો તેમને હાર પચાવતા આવડશે અને તેમની અંદર જીતવાનો જુસ્સો જાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp