તો આ કારણ છે જેના લીધે ચોથી ટેસ્ટ મેચમાં નહીં રમે જસપ્રીત બૂમરાહ

PC: instagram.com

ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અમદાવાદમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં રમશે નહીં. બુમરાહે પર્સનલ કારણોને લીધે BCCI પાસેથી રજા માંગી હતી, જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. હવે જાણકારી સામે આવી રહી છે કે બુમરાહ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે.

જસપ્રીત બુમરાહે પોતાના લગ્નની તૈયારી માટે BCCI પાસેથી રજા માંગી છે. ન્યૂઝ એજન્સી ANIના સૂત્રોના કહેવા પ્રમાણે જસપ્રીત બુમરાહ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યો છે અને તેની તૈયારીઓ માટે તેણે રજા લીધી છે. BCCIના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે બુમરાહે ક્રિકેટ બોર્ડને કહ્યું હતું કે તે લગ્ન કરવા જઈ રહ્યો છે અને તેની તૈયારીઓ માટે તેને રજા જોઈએ છે. 27 વર્ષનો બુમરાહ ઈંગ્લેન્ડ વિરુદ્ધની ટેસ્ટ સીરિઝમાં બે મેચ રમ્યો છે, જેમાં તેણે 4 વિકેટ લીધી છે.

બીજી ટેસ્ટ માટે તેને આરામ આપવામાં આવ્યો હતો. તેની જગ્યાએ ટીમમાં મોહમ્મદ સિરાઝને લેવામાં આવ્યો હતો. ભારત ચાર ટેસ્ટ મેચની સીરિઝમાં હાલમાં 2-1થી આગળ ચાલી રહ્યું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમવા માટે ટીમ ઈન્ડિયાએ આખરી મેચમાં હારવાથી બચવું પડશે. કોહલીના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયા જો અંતિમ ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરે છે અથવા મેચને ડ્રો કરી લે છે તો તેની ફાઈનલમાં જગ્યા પાક્કી થઈ જશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ આવતીકાલથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.

અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય બોલરોએ કમાલનું પરફોર્મ કર્યુ હતું અને 10 વિકેટથી ઈંગ્લેન્ડને ટેસ્ટ મેચના બીજા જ દિવસે હાર આપી દીધી હતી. આ મેચમાં જીત પછી ભારત 2-1 થી સીરિઝમાં આગળ થઈ ગયું છે. આ મેચનો સ્ટાર બનેલા અક્ષર પટેલે કુલ 11 વિકેટો લીધી હતી. અક્ષર પટેલને મેન ઓફ ધ મેચ નો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેવામાં હાર્દિક પંડ્યા સ્પીનર અક્ષર પટેલનો ઈન્ટરવ્યુ કરી રહ્યો હતો તેની વચ્ચે કેપ્ટન વિરાટ કોહલી આવીને માઈકમાં ગુજરાતીમાં પટેલના વખાણ કરતો જોવા મળે છે. કોહલીએ માઈક પર કહ્યું હતું કે- એ બાપુ તારી બોલિંગ કમાલની છે. ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડની ટીમ ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ પણ આ જ સ્ટેડિયમમાં રમવાની છે અને તેના પછી પણ પાંચ મેચોની ટી20 અહીં જ રમાવાની છે. આગામી અંતિમ ટેસ્ટ મેચ 4 માર્ચથી રમાવાની છે તો હવે જોવું રહ્યું કે ટીમ ઈન્ડિયા ટેસ્ટ સીરિઝ જીતવામાં સફળ રહે છે કે ટીમ ઈંગ્લેન્ડ તેને જીતીને શ્રેણી બરાબર કરવાની કોશિશમાં રહેશે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp