શું સુરતમાં AAPને હાર્દિકના સાથીઓએ જીતવામાં મદદ કરી? હાર્દિકનો આ છે જવાબ

PC: Khabarchhe.com

સુરત જિલ્લાના કઠોર કોર્ટ ખાતે હાજરી આપવા માટે આવેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે એક મોટી અને મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. 5 વર્ષ પહેલા હાઈવે પર ચક્કાજામના કેસમાં એમની કઠોર કોર્ટ ખાતે સુનાવણી હતી. જેમાં હાજરી આપવા માટે તે આવ્યા હતા. જોકે, સહ આરોપી ગેરહાજર રહેતા આ કેસની વધુ સુનાવણી તા.12 એપ્રિલના રોજ થશે.

હાર્દિક પટેલ નારાજ છે એ મુદ્દાને લઈને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે એવી સ્પષ્ટતા કરી છે કે, હું ખુશ છું. રવિવારે જ સુરતમાં અમારા કાર્યકર્તાઓને મળ્યો છું. આ ઘર મોટું છે એટલે જુદી જુદી ચર્ચાઓ થવી સ્વભાવિક છે. ઘરની વાત છે અને ઘરમાં કોઈ ચિંતા જેવું નથી. ઘરની વાત ઘરમાં બેસીને ઉકેલી લઈશું. હાર્દિક પટેલને જ્યારે સુરતમાં એના સમર્થકોએ આમ આદમી પાર્ટીને મદદ કરી હોવાની વાત પૂછી ત્યારે તેમણે જણાવ્યું કે, કોઈ પણ પક્ષ ચૂંટણી લડે. કોઈ પણ પક્ષ સારૂ પરિણામ લાવે, ભાજપ પણ લાવી અને આમ આદમી પાર્ટી પણ સારૂ પરિણામ લાવી. તાલુકા-જિલ્લા પંચાયતમાં અમારૂ પરિણામ સારૂ આવશે.

સમયાંતરે આવા પરિણામ આવતા રહેતા હોય અને પ્રજા એને મદદ કરતી રહેતી હોય છે. જે પછીથી સત્તા પર આવીને બેસે છે. જોકે, સમર્થકોની વાતને લઈને હાર્દિકે કોઈ મગનું નામ મરી પાડ્યું ન હતું. એક પણ શબ્દ સમર્થકો અંગે બોલ્યા ન હતા. પક્ષ પલટાને લઈને જ્યારે એમને પ્રશ્નો કરવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે, મને તો આવી કંઈ ખબર નથી? મારૂ પ્લાનિંગ તમને કેમ ખબર પડે? આવું કહીને તેમણે આ મુદ્દે કોઈ ખબર ન હોવાનું જણાવી દીધું અને જવાબ આપવાનું ટાળ્યું હતું.

5 વર્ષ પહેલા ચાલી રહેલા અનામત આંદોલન દરમિયાન નેશનલ હાઈવે કામરેજ પાસે કાર્યકરો તરફથી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેમાં અલ્પેશ કથિરીયા સહિત અનેક લોકોની સામે ગુનો નોંધાયો હતો. જેમાં કાર્યકર્તાઓની પૂછપરછ બાદ હાર્દિક પટેલું નામ સામે આવ્યું હતું. કામરેજ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથિરીયા સહિતના કાર્યકર્તાઓ પર ગુનો નોંધાયો હતો. જેની સુનાવણી કામરેજની કઠોર કોર્ટમાં ચાલી રહી છે. સોમવારે તા.1 માર્ચના રોજ આ કેસની તારીખ હોવાથી હાર્દિક પટેલ આ કેસમાં હાજરી આપવા માટે આવ્યા હતા. એ સમયે આમ આદમી પાર્ટીમાં એમના સમર્થકોએ ટેકો આપ્યો હોવાના સવાલ અંગે ખુલાસો કરાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp