રાજકોટમાં મૃત્યુદરમાં આંશિક રાહત, આ સ્મશાન છેલ્લા 4 દિવસથી બંધ કરવામાં આવ્યું

PC: youtube.com

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર લોકો માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. પોઝિટિવ કેસોની સાથે-સાથે મૃત્યુઆંકમાં વધારો થયો છે. રાજ્યના મોટા ભાગના સ્મશાનમાં 24 કલાક અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા. કેટલીક જગ્યા પર તો સરકારને જુના સ્મશાન શરૂ કરવાની ફરજ પડી હતી. રાજ્યની હોસ્પિટલમાં દર્દીઓને બેડ મેળવવો મુશ્કેલ થઈ ગયો છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં રિકવરી રેટમાં વધારો થઈ રહ્યો છે અને પોઝિટિવ કેસનો આંકડો પણ ઘટી રહ્યો છે.

રાજકોટ શહેરને લઈને થોડા રાહતના સમાચાર આવ્યા છે. કાલે રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસ અને મૃત્યુઆંકમાં આંશિક ઘટાડો થયો છે. રાજકોટ શહેરમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર કરવા માટે ચાર સ્મશાનને અનામત રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃત્યુઆંકમાં વધારો થતા રાજકોટના વાગુદડ ગામમાં નવુ સ્મશાન ઉભુ કરવામાં આવ્યુ હતું પરંતુ હવે મૃત્યુઆંક ઘટતા વાગુદડ ગામનું સ્મશાન 4 દિવસથી બંધ કરી દેવામાં આવ્યું છે. મહત્ત્વની વાત છે કે, વાગુદડના સ્મશાનમાં પ્રતિદિન 40 જેટલા મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીને કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલની OPDમાં પણ 50% કેસનો ઘટાડો થયો છે. સાથે જ હોસ્પિટલની બહાર દર્દીઓને લાઈનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં રામનાથપરા, બાપુનગર, મવડી સ્મશાન અને મોટા મૈવા સ્મશાનમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ગત સપ્તાહમાં રામનાથપરા સ્મશાનમાં 244, બાપુનગર સ્મશાનમાં 357, મવડી સ્મશાનમાં 130 અને મોટા મૌવા સ્મશાનમાં 170 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરંતુ ચાલુ સપ્તાહે રામનાથપરા સ્મશાનમાં 171, બાપુનગર સ્મશાનમાં 302, મવડી સ્મશાનમાં 57 અને મોટા મૌવા સ્મશાનમાં 109 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

રામનાથપરા સ્મશાનના સંચાલક ગુણવંત ડેલાવાળા એ કહ્યું હતું કે, પહેલા 50થી 60 મૃતદેહ આવતા હતા પરંતુ હવે 40 જેટલા મૃત્યુ આવી રહ્યા છે. એટલે હવે મૃતદેહોની સંખ્યામાં પણ આંશિક ઘટાડો થયો હોય તેવું કહી શકાય. તો બીજી તરફ બાપુનગર સ્મશાનના સંચાલકોએ જણાવ્યું છે કે, આ સ્મશાનમાં મૃતદેહોની સંખ્યામાં કોઈ ખાસ ઘટાડો થયો નથી. સિવિલ હોસ્પિટલમાંથી જે દર્દીના મૃત્યુ થાય છે તેને બાપુનગરના સ્મશાનમાં લાવવામાં આવે છે. આગામી 10થી 12 દિવસના સમયમાં મૃતદેહો અને પોઝિટિવ કેસોની સંખ્યા પણ ઘટાડો થશે તેવુ પણ આરોગ્ય વિભાગની કામગીરી પરથી દેખાઈ રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp