લૂંટેરી દુલ્હનો- બે બહેનોએ કાપડના વેપારીના ઘરમાં લગ્ન કર્યાને લાખો લઇ છૂં થઇ

PC: aajtak.in

ગ્વાલિયર શહેરમાં બે લૂંટેરી દુલ્હનોની કરતૂત સામે આવી છે. બંને મહિલા ઉજ્જૈનની રહેવાસી છે. બંનેએ 3 મહિના પહેલાં કાપડનો બિઝનેસ કરતા બે ભાઇઓ સાથે લગ્ન કર્યા હતા લગ્નના બે મહિના પછી ઘરમાંથી 8 લાખ રૂપિયાના ઘરેણાં અને 7 લાખ રૂપિયા રોકડા લઇને ફરાર થઇ ગઇ હતી.

પીડિત કાપડના વેપારીએ બિલૌઆ પોલીસ સ્ટેશનમાં બંને વહુ, દુલ્હનનો ભાઇ સંદીપ મિત્તલ, લગ્ન કરાવાનાર સહીત 6 લોકો સામે FIR કરી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, લગ્ન વખતે એવું કહેવામાં આવ્યું હતું કે બંને મહિલાઓના માતા-પિતાનું અવસાન થઇ ચૂક્યું છે અને લગ્નના નામ પર 7 લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે એક દુલ્હનનો પહેલેથી જ એક પુત્ર છે. ઉજ્જૈનમાં બંને મહિલા સામે છેતરપિંડીની ફરિયાદ પહેલેથી જ થયેલી છે.

બિલૌઆ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા નાગેન્દ્ર  જૈન કાપડના વેપારી છે. ડિસેમ્બર 2020માં તેમણે તેમના બે નાના ભાઇઓ દીપક અને સુમિત જૈનના લગ્ન ઉજજૈનની બે બહેનો સાથે કરાવ્યા હતા. દીપકના લગ્ન નંદિની મિત્તલ અને સુમિતના લગ્ન રિંકી મિત્તલ સાથે કરાવવામાં આવ્યા હતા. બંને બહેનાના ભાઇ સંદીપ મિત્તલની હાજરીમાં સગપણ કરવામાં આવ્યું હતું. સબંધ સમાજના બાબુલાલ જૈને નકકી કરાવ્યો હતો.

બંને મહિલાની જાતિ વૈશ્ય વણિક તરીકે દર્શાવવામાં આવી હતી. લગ્ન થયા પછી નંદિની અને રિંકી લગભગ વીસેક દિવસ સાસરે રહી. પછી પિયર ચાલી ગઇ હતી. એ પછી બંને બહેનો 9 જાન્યુઆરી 2021ના દિવસે તેમના કહેવાતા ભાઇઓ સંદીપ અને આકાશ સાથે સાસરે આવી હતી. થોડો સમય તેમણે નગેન્દ્ર જૈનના પિતા અને બંને બહેનોના સસરા સાથે રૂમમાં કઇક વાતચીત કરી હતી અને એ પછી સસરાનું હાર્ટએટેક આવવાને કારણે મોત થયું હતું.

સસરાંના તેરમાં પર બંને બહેનોએ તબિયતનું બહાનું બતાવીને ઘર છોડીને ચાલી ગઇ હતી. કેટલાંય દિવસો સુધી બંને બહેનો સાસરે પરત ન ફરી. સાસરિયાઓ જયારે વિનંતી કરતા ત્યારે દરેક વખતે આવવાની વાત કરતી હતી, પણ આવતી નહોતી. આ બાબતે જૈન પરિવારને શંકા જતા રૂમમાં તપાસ કરી તો ખબર પડી કે ઘરમાંથી પુરા ઘરેણાં જેની કિંમત 8 લાખ હતી અને રોકડા 7 લાખ ગાયબ હતા.

પરિવારની શંકા પાકી થઇ કે આ બંને બહેનોનું જ કારસ્તાન લાગે છે. તે પછી સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે બંને બહેનોના પહેલાંથી જ લગ્ન થયેલા છે અને નંદિનીને તો એક બાળક પણ છે. ફેસબુક આઇડી નંદિની પ્રજાપતિ અને ટીના યાદવના નામથી બનાવવામાં આવી છે. જયારે રિંકી મિત્તલની ફેસબુક આઇડી રિંકી પ્રજાપતિના નામથી બનાવવામાં આવી છે.

 ભાઇનો રોલ ભજવનાર સંદીપ મિત્તલની આઇડી સંદીપ શર્માના નામથી બનાવવામાં આવી છે. સંદીપની વાઇફ રીના મિત્તલની આઇડી રીના ચંદેલના નામથી બનાવેલી છે. સાથે  જૈન પરિવારને એ પણ જાણવા મળ્યું કે બંને દુલ્હનો અને તેમના સાથીદારો સામે લગ્નના નામે છેતરપિંડીના અનેક ઉજ્જૈનમાં દાખલ થયેલાં છે.

કાપડના વેપારી નાગેન્દ્ર જૈને કહ્યું હતું કે ઇંદોરમાં રહેતા બાબૂલાલ જૈન બંને બહેનોના માંગા લઇને આવ્યા હતા અને કહ્યું હતું કે 2012માં આવેલા તોફાનમાં નંદિની અને રિંકીના પિતાનું મોત થયું હતુ. પરિવાર એકદમ ગરીબ છે એવું બાબૂલાલે કહ્યું હતું. તેમની વાતમાં આવીને અમેં બંને બહેનોના લગ્ન ખર્ચ માટે 7 લાખ રૂપિયા આપ્યા હતા. પોલીસે રિંકી, નંદિની, આકાશ, સંદીપ, રીના તથા બાબૂલાલ સામે ગુનો નોંધી દીધો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp