26th January selfie contest

બજેટઃ ચતુર નીતિન પટેલનો મોદીપ્રેમ છલકાયો, ચૂંટણીમાં વિજય છતા રાહત નહીં...

PC: business-standard.com

ગુજરાત સરકારે રજૂ કરેલા 2.27 લાખ કરોડના બજેટમાં કોઇ નવા કરવેરા નાંખ્યા નથી કે હયાત કરવેરામાં સુધારા કર્યા નથી. કોરોના સંક્રમણના સમયમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે બજેટની રજૂઆત સમયે નવી યોજનાઓની જાહેરાત કરી છે પરંતુ સાડા છ કરોડની જનતાને કોઇ રાહત આપી નથી. નવા વર્ષના બજેટમાં બે લાખ સરકારી નોકરી તેમજ પાંચ વર્ષમાં 20 લાખ રોજગારીની તકો ઉભી કરવાના વચન સાથે સરકારે ઓનગોઇંગ પ્રોજેક્ટ્સ માટે નાણાંકીય જોગવાઇ કરી છે.

ગુજરાત સરકારના 2020-21ના વર્ષના બજેટનું કદ 1.17 લાખ કરોડ હતું જેમાં નાણામંત્રીએ 10 હજાર કરોડનો વધારો કર્યો છે. આ બજેટમાં તમામ વર્ગના લોકોને ફાયદો કરવામાં આવ્યો છે પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાથી ત્રાસી ગયેલી જનતાને વેલ્યુ એડેડ ટેક્સના દરોમાં ઘટાડો કરીને કોઇ રાહત આપવામાં આવી નથી. એટલું જ નહીં બિલ્ડરજૂથની માગણીનો અસ્વિકાર કરીને સ્ટેમ્પડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી માં પણ કોઇ ઘટાડો કરવામાં આવ્યો નથી.

નાણામંત્રીએ કહ્યું હતું કે સમગ્ર નાણાકીય વર્ષ 2020-21માં કોવિડની મહામારીના કારણે લોકોની આર્થિક પ્રવૃત્તિઓ પર વિપરિત અસર થઇ છે અને ગુજરાતની જનતા ફરીથી બેઠી થઇ રહી છે ત્યારે બજેટના હયાત વેરાના દરોમાં કોઇપણ જાતનો વધારો નહીં કરવાની તેમજ નવા કોઇ વેરા નહીં નાંખવાની હું જાહેરાત કરૂં છું જેથી બજેટની એકંદર અંદાજીત પુરાંત 587.88 કરોડ રહેશે. સરકારે આગામી વર્ષમાં 1.67 લાખ કરોડ રૂપિયાની આવકનો અંદાજ રાખ્યો છે.

બીજી તરફ નાણામંત્રીએ વિધાનસભામાં અનેક નવી જાહેરાતો કરી છે. નાણામંત્રીએ પેપરલેસ બજેટ રજૂ કરીને 80 લાખ રૂપિયાની બચત કરી છે, કારણ કે બજેટના 73 પ્રકાશનોના 55 લાખ જેટલા પાનાં દર વર્ષે પ્રિન્ટ કરવામાં આવે છે. રાજ્ય સરકારે કૃષિ વિભાગ માટે 7232 કરોડની જોગવાઇ કરી છે. શિક્ષણ વિભાગનું બજેટ 32719 કરોડનું બનાવવામાં આવ્યું છે, જ્યારે આરોગ્ય પાછળ 11323 કરોડ, જળસંપત્તિ માટે 5494 કરોડ અને ગૃહ માટે 7960 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નીતિન પટેલના બજેટમાં ગ્રામ્ય વિકાસ માટે 8796 કરોડ તેમજ શહેરી વિકાસ માટે 13493 કરોડ રૂપિયા ખર્ચવાનું નક્કી કરવામાં આવ્યું છે.

નાણામંત્રીએ રાજ્યમાં બે મેગા ટેક્સટાઇલ પાર્ક, ભરૂચના જંબુસરમાં બલ્ક ડ્રગ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તેમજ રાજકોટમાં મેડીકલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની જાહેરાત કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે વધુ 652 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવી રહ્યો છે. રાજ્યના ચાર શહેરો વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં મેટ્રો ટ્રેનની યોજનાનો વાયદો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, અમદાવાદ, સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા અને ગીરમાં હેલીપોર્ટ બનાવવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીના ધાર્યા પરિણામ મળતાં નીતિન પટેલે સાગરખેડૂના વિકાસ માટે 50,000 કરોડ રૂપિયાની કલ્યાણ યોજનાની જાહેરાત કરી છે. એવીજ રીતે વનબંધુ યોજનામાં એક લાખ કરોડ રૂપિયા ખર્ચવાનો વાયદો કરવામાં આવ્યો છે. ગુજરાતના બજેટમાં નીતિન પટેલ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રભાવ વધુ જોવા મળ્યો છે. મોદી સરકારની યોજનાઓ અને મોદીના ડ્રીમ પ્રોજેક્ટ માટે બજેટમાં નીતિન પટેલે દિલ ખોલીને ફાળવણી કરી છે.

નાણામંત્રીએ બજેટમાં ધારાસભ્યોનો ખૂશ કરી દીધા છે. રાજ્યના તમામ ધારાસભ્યો માટે 2021-22થી પુન ગ્રાન્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં ધારાસભ્યો માટે નવા આવાસ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સરકારે નવી 50 ઇલેક્ટ્રિક બસ ખરીદવા માટે પણ બજેટ બનાવ્યું છે. સરકારી નોકરીઓ સાથે નીતિન પટેલે કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં મેન્યુફેક્ચરીંગ, ફાર્મા, એનર્જી, એન્જીનિયરીંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આઇટી, પ્રવાસન અને બેન્કીંગ જેવા ક્ષેત્રોમાં રાજ્યના 20 લાખ યુવાનોને રોજગારી મળશે. આ સાથે વ્યાપાર, ઉદ્યોગ, ખેતી અને પશુપાલનને પ્રોત્સાહન આપવા સાથે સંલગ્ન રોજગારીની તકોનું સર્જન કરવાની હૈયાધારણા આપી છે.

નાણામંત્રીએ કોલેજના પ્રથમવર્ષમાં પ્રવેશ મેળવતા ત્રણ લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ટેબલેટ આપવા માટે 200 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. કેવડિયામાં ડ્રેગન ફ્રુટ એટલે કે કમલમને ખિલવવા માટે બજેટમાં 15 કરોડ રૂપિયાની જોગવાઇ રહી છે. ગોધરા અમે મોરબીમાં નવી મેડીકલ કોલેજ ખોલવામાં આવશે તેવું પણ નીતિન પટેલે કહ્યું છે. તેમણે કહ્યું છે કે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આંતરારાષ્ટ્રીય કક્ષાનું એક્સલન્સ સેન્ટર ઉભું કરાશે, જ્યારે ગિફ્ટ સિટીમાં 100 કરોડનું મૂડીરોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કલ્પસર યોજનાને આગળ ધપાવવા ભાડભૂત બેરેજ માટે 1500 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

સરકારે ગાંધીનગર અને સુરત મેટ્રોરેલ માટે 568 કરોડની ફાળવણી કરી છે. ગાંધીનગરના કડજોદરા સહિત રાજ્યના અલગ વિસ્તારોમાં ઔદ્યોગિકરને પ્રોત્સાહન આપવા નવી જીઆઇડીસી સ્થાપવાનું વચન સરકારે આપ્યું છે. રૂફટોપનો ફેલાવો કરવા માટે ત્રણ લાખ ઘરોને 800 કરોડ રૂપિયાની સહાય અપાશે. અમદાવાદ અને મુંબઇ વચ્ચેના બુલેટ ટ્રેનમાં 1500 કરોડનો ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સરકાર 2022 સુધીમાં 900 કરોડના ખર્ચે શહેરી વિસ્તારમાં નવા 55000 આવાસોનું નિર્માણ કરશે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp