પાટીદાર આંદોલન સમયે જીતેલી સૌરાષ્ટ્રની આ પાલિકામાં કોંગ્રેસનું ખાતું પણ ન ખૂલ્યુ

PC: Youtube.com

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. 6 મહાનગરપાલિકામાં ભવ્ય જીત બાદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભવ્ય જીત મેળવી છે. કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કોંગેસની હાર થતા અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે પાટીદાર અનામત આંદોલનની અસરના કારણે વર્ષ 2015 જીતેલી નગરપાલિકા કોંગ્રેસને ગુમાવવાનો વારો આવ્યો છે.

રિપોર્ટ અનુસાર વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલનના કારણે કોંગ્રેસના ફાળે ગયેલી મોરબી નગરપાલિકા કોંગ્રેસને ગુમાવવાનો વારો આવ્યો છે. અનામત આંદોલન સમયે કોંગ્રેસને નગરપાલિકાની 52 બેઠકમાંથી 32 બેઠક મળી હતી અને ભાજપને 20 બેઠક મળી હતી. પણ 2021ની ચૂંટણીમાં કોંગ્રેસ મોરબી નગરપાલિકાની એક પણ બેઠક મેળવી શકી નથી. તમામ બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. ભાજપે મોરબીમાં 27 બેઠક પર મહિલા ઉમેદવારને ટિકિટ આપી હતી અને 25 પુરુષ ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા અને ભાજપના તમામ ઉમેદવારોની જીત થઇ છે.

મોરબી નગરપાલિકામાંથી કોંગેસનો સફાયો થઇ ગયો છે. મોરબી નગરપાલિકાની એક બેઠક પરથી હાર્દિક પટેલના સાથી એવા મનોજ પનારાની પત્ની રૂપલ પનારાને કોંગ્રેસે ટિકિટ આપી હતી. રૂપલ પનારા વોર્ડ નંબર 8માંથી ઉમેદવાર હતા પરંતુ ભાજપના ઉમેદવારની સામે તેમણે હારનો સામનો કરવો પડ્યો. મોરબીમાં કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીને પણ એક પણ બેઠક મેળવવામાં સફળતા મળી નથી. મહત્ત્વની વાત છે કે, એવી તો ઘણી બેઠકો છે કે, જ્યાં પાટીદાર અનામત આંદોલન સમયે કોંગ્રેસની જીત થઇ હતી અને 2021માં કોંગ્રેસ ખાતું પણ ન ખોલાવી શકી. મોરબીમાં એક પણ બેઠક ન જીતતા કોંગ્રેસ શરમજનક સ્થિતિમાં મુકાઈ હતી.

આ ઉપરાંત ભાજપને હાર્દિક પટેલના વતન વિરમગામમાં પણ ગાબડું પાડવામાં સફળતા મળી છે. હાર્દિક પટેલના વતન વિરમગામમાં પાટીદાર પાવર ન ચાલ્યો અને નગરપાલિકામાં ભાજપે સત્તા હાંસલ કરી છે. વિરમગામ નગરપાલિકાની 36 બેઠકમાંથી ભાજપને 20 બેઠક મળી છે. બીજી મહત્ત્વની વાત છે કે, વિરમગામમાં કોંગ્રેસ પોતાનો એક પણ ઉમેદવાર ઉભો રાખી શકી ન હતી. 2015 વિરમગામ નગરપાલિકાની 36 બેઠકોમાંથી 17 બેઠક પર ભાજપની જીત થઇ હતી. 11 બેઠકો કોંગ્રેસને મળી હતી અને 5 બેઠક બિનહરીફ જાહેર થઇ હતી. પણ 2021ની ચૂંટણીમાં કોંગ્રેસ વિરમગામમાં ખાતું પણ ખોલાવી શકી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp