રાજ્યમાં કોરોના 2 લાખની વસ્તીને ભરખી ગયો, રૂપાણી સરકાર આંકડા છૂપાવે છેઃ કોંગ્રેસ

PC: divyabhaskar.co.in

રાજ્યના મહાનગરમાં કોરોના વાયરસના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. પણ ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ કથળી રહી છે. ટેસ્ટિંગની અને સારવારના અભાવે ગ્રામ્ય વિસ્તારમાંથી કેસ વધે છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસે રાજ્યની રૂપાણી સરકાર પર આક્ષેપ કર્યા છે કે, રાજ્ય સરકાર મૃત્યુઆંક છુપાવી રહી છે. સાચા આંકડા જાહેર કરતી નથી.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એક પત્રકાર પરિષદ યોજીને સરકાર પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, સરકારના મનસ્વી વહીવટને કારણે ગુજરાતમાં ડર અને અંધાધુંધીનું વાતાવરણ છે. સમગ્ર ગુજરાતમાં 2 લાખ જેટલા લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. હોસ્પિટલમાં ઑક્સિજન, બેડ અને વેન્ટિલેટર ખૂટી રહ્યા છે. આ માટે સરકારનો મનસ્વી વહીવટ જવાબદાર છે. દરેક ડિઝાસ્ટર એક્ટના બે પાસાઓ હોય છે. કલ્યાણનું પાસું અને શિક્ષાત્મક પાસુ. રાજ્ય સરકારે શિક્ષાત્મક પાસાનો ઉપયોગ કરીને લોકોને દંડ ફટકાર્યો છે, મિલકત સિલ કરવા સુધીના પગલાં લીધા છે. કલ્યાણલક્ષી પાસા પ્રત્યે બેધ્યાન છે. કુદરતી આફત હોય અને લોકો મૃત્યુ પામે તો એને આર્થિક મદદ કરવામાં આવે છે. આ 13 મહિનામાં જેટલા પણ લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે એ તમામના પરિવારને કાયદા અનુસાર રૂ.4 લાખની મદદ જાહેર કરવામાં આવે. હાલની સ્થિતિએ વાસ્તવિકતા જુદી છે. રૂપાણી સરકાર નિષ્ઠુર બની મૃત્યુઆંક છુપાવી રહી છે. લોકોના મૃત્યુ સામે રાજ્ય સરકાર રમત રમી રહી છે. ગુજરાત કોંગ્રેસ હવે કોરોનાથી જે લોકોના મૃત્યુ થયા છે એ પરિવારની માહિતી મેળવશે.

ગુગલમાં ફોર્મ ભરીને કોંગ્રેસ સરકારને રજૂઆત કરશે. કોંગ્રેસ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં આ બીમારી ફેલાઈ છે ત્યારથી 125 જેટલા લોકોના મોત થયાનો રીપોર્ટ છે. 2021 અને 2020ના આંકડા પર નજર કરીએ તો આ આંક ખૂબ જ મોટો અને બિહામણો સાબિત થાય છે. એકલા સુરેન્દ્રનગર જિલ્લામાં 10 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે તાલુકામાં 200 લોકોના મોત નીપજ્યા છે. એક સામાન્ય ગણાતા જિલ્લામાં આટલો મોટો આંક હોય તો રાજ્યની સ્થિતિ કેવી હશે. મહાનગરની વાત કરીએ તો સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટમાં જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે. ત્યાં આ આંકડો કેટલો મોટો હોય? દસાડામાં ડેન્ટિસ્ટ પર એક આરોગ્ય કેન્દ્ર ચાલે છે. જોકે, સમગ્ર રાજ્યમાંથી 2 લાખ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે એવો કોંગ્રેસનો આક્ષેપ છે. અમિત ચાવડાએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર શ્વેતપત્ર જાહેર કરીને એ આંક પબ્લિક ડોમેઈનમાં મૂકે. રાજ્યના દરેક જિલ્લા, તાલુકા તથા ગામમાં મૃત્યુ થયા છે એ તમામના નામ અને કોમોર્બિડિટીથી થયા હોય કે પછી કોરોના થયો હોય એ માટે આ પત્ર જરૂરી છે.

હાલ કોઈ પણ જિલ્લામાં વ્યવસ્થા નથી. મોટા હોલમાં ગાદલાઓ મૂકીને ખોટી જાહેરાત કરવામાં આવી રહી છે. ટેસ્ટિંગ થતા નથી એટલે ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ ખરાબ છે. જિલ્લાની હોસ્પિટલમાં સુવિધાઓ નથી એટલે ગ્રામ્ય પંથકમાં આ કોરોના ઝડપથી વકરી રહ્યો છે. દરેક ગ્રામ્ય વિસ્તારમાં ટેસ્ટિંગ વધારીને વેક્સીનેશન કરવામાં આવે એવી ગુજરાત કોંગ્રેસની માગ છે. વેક્સીનેશનમાં પણ સરકાર મોટી મોટી વાતો કરે છે પણ પહેલા ડોઝ બાદ બીજા ડોઝ માટે પરેશાન થવું પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp