સ્ટેડિયમનું નામ બદલાયું, હવે અમદાવાદનું બદલો, એક ડોક્ટરે સીઆર પાટીલને લખ્યો પત્ર

PC: khabarchhe.com

અમદાવાદના વિશ્વખ્યાત સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી રાખવામાં આવ્યા પછી અમદાવાદના એક જાણીતા ડોક્ટરે કહ્યું છે કે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવામાં આવે. તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પત્ર લખી કહ્યું છે કે બને તેટલી ઝડપથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવામાં આવે અને તેનો ત્વરિત નિર્ણય કરવામાં આવે.

અમદાવાદના ડોક્ટર વસંત પટેલે ભાજપના પ્રદેશ વડાને કહ્યું છે કે અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની દરખાસ્ત રાજ્ય અને કેન્દ્ર સરકારને કરવામાં આવી હતી. શહેરનું નામ બદલવા માટેની પ્રક્રિયા વર્ષોથી ચાલતી આવી છે અને ભાજપને તેના ચૂંટણી ઢંઢેરામાં પણ નામ બદલવાનું વચન આપ્યું હતું પરંતુ કેન્દ્ર સરકારે ઇન્કાર કરી દીધો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 2021માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે ત્યારે ભાજપની ચૂંટાયેલી સરકાર કોઇપણ પ્રકારના બંધારણીય અડચણ વિના અમદાવાદનું નામ કર્ણાવતી કરી શકશે તેવું પણ ઘણાં લોકોનું માનવું છે. નામકરણ માટે 75 ટકાથી વધુની બહુમતિ જોઇતી હોય છે જ્યારે અમદાવાદની 82.8 ટકા જનતાએ ભાજપને મત આપ્યાં છે.

સીઆર પાટીલને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે પ્રદેશ પ્રમુખ અને ભાજપના અન્ય પદાધિકારીઓ તેમજ ચૂંટાયેલા નગર સેવકોને મારી વિનંતી છે કે અમદાવાદ અને ગુજરાતના લાખો નાગરિકોની લાગણી અને માગણી પહોંચાડવાનો આ મારો પ્રયાસ છે.

અમદાવાદનો જન્મદિન 26મી ફેબ્રુઆરીએ આવે છે. આ શહેરના જન્મદિને અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવામાં આવે તો તે અમદાવાદની જનતાને સૌથી મોટી ભેટ ગણાશે. ભાજપના મેયર નક્કી થાય અને પ્રથમ સભામાં જ આવી ભવ્ય ભેટ અમદાવાદના લોકોને મળે તેવી મારી આશા છે. જો કે આ ડોક્ટરને હાલ તો પ્રદેશ પ્રમુખ તરફથી કોઇ પ્રતિભાવ મળ્યો નથી.

કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે અમદાવાદની નામ બદલવાની દરખાસ્ત રાજ્ય સરકાર સમક્ષ આવી હતી અને રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને સુપરત કરી હતી પરંતુ કોંગ્રેસ શાસને અમદાવાદનું નામ બદલવાની દરખાસ્ત ફગાવી દીધી હતી. એ પછી કેન્દ્રમાં ભાજપની એનડીએ સરકાર હતી અને વડાપ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયી હતા ત્યારે પણ કેન્દ્ર સરકારે દરખાસ્ત ઠુકરાવી દીધી હતી. હવે જ્યારે નરેન્દ્ર મોદીનું શાસન છે ત્યારે પણ કેન્દ્ર સરકારે ફરી એકવાર દરખાસ્તનો અસ્વિકાર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp