અમદાવાદના શ્યામ ચાવડા... દાલ લેકના હાઉસબોટમાં રહી કાશ્મીરના બાળકોને ભણાવે છે

PC: timesofindia.indiatimes.com

અમદાવાદના એક કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેન્ગવેજના જાણીતા ડોક્ટરેટ પ્રાધ્યાપક શ્યામ ચાવડા શ્રીનગર પહેલગાવ પર પુલવાલા નજીક આવેલા નાનકડા ગામ સલાદની અલ મદીના ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોને ભણાવી રહ્યાં છે. તેમને કાશ્મિરના બાળકો સાથે લગાવ છે. આ વિસ્તાર સંવેદનશીલ હોવા છતાં શ્યામ બાળકોનો કોડિંગ શિખવી રહ્યાં છે.

તેઓ છેલ્લા બે વર્ષથી વૈશ્વિક બીનસરકારી સેવાભાવી સંસ્થા સાથે પણ તેમની કોમ્પ્યુટર વિશેષજ્ઞ લાયકાતથી જોડાયેલા છે. ‘વૉર ચાઈલ્ડ કૅર' નામની એ સંસ્થા વિશ્વના યુદ્ધ પીડિત, આતંક કે અન્ય સંઘર્ષ પીડીત બાળકોનો ડેટા બેઝ રેકોર્ડ સાચવી, જાળવી ઉત્તરોત્તર ઉમેરો કરી શકે તેવી ઍપ બનાવવા કાર્યરત છે, જે યુનિસેફ સંસ્થાને વધારે ઉપયોગી બને તેમ છે.

આ કાર્ય અંતર્ગત શ્યામ થોડો સમય અફઘાનિસ્તાન જઈને પણ કામ કરી ચુક્યા છે. સાઉથ કાશ્મીર આતંક પ્રભાવિત વિસ્તાર છે. માર્ચ 2018માં શ્યામ કાશ્મિરના પ્રવાસે આવ્યા તે સમયે આ અલ મદીના સ્કૂલ પાસેથી નીકળ્યા, ત્યારે રીશેષ સમયમાં મેદાનમાં મસ્તી કરતા બાળકોના ગ્રુપ સાથે તેણે નાનકડો ડાન્સ કર્યો હતો. આ ડાન્સથી યુવા ટ્રસ્ટી સરજાદ પ્રભાવિત થયા હતા. તે કોમ્પ્યુટર સ્નાતક હતા અને શ્યામના મિત્ર બન્યા પછી તો અલ મદીના ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને શ્યામ કોડિંગ શીખવવા લાગ્યા. અને એવો તો ઘરોબો કેળવાયો કે હવે તો શ્યામ તેમની નિશાળમાં પરિવારના એક સભ્ય જ બની રહ્યા છે.

37 વર્ષીય શ્યામ એમસીએ બાદ ડોક્ટરેટ સુધી અભ્યાસ કરી લેક્ચરર બન્યા હતા. કોમ્પ્યુટર ક્ષેત્રે યુવા પ્રાધ્યાપક શ્યામ ચાવડા, આજ સુધી ટેક્નોલોજી વિષયક એકવીસ પુસ્તકો લખી ચુક્યા છે. ડોક્ટરેટ પદવી મેળવી ચુક્યા છે. કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ લૅંન્ગ્વેજ વિષયક ફેકલ્ટી પ્રોફેસર તરીકે અનેક સંસ્થાઓમાં ઉચ્ચ માર્ગદર્શકની ભૂમિકા ને માત્ર કોઈ એક કોલેજ પૂરતી સીમિત રાખ્યા વગર ડિજિટલ ટેક્નોલોજી અને ઇન્ટરનેટ ઉપયોગથી ઓનલાઇન ક્લાસ દ્વારા અભ્યાસક્રમ શીખવવાની શરૂઆત તો તેમણે કોરોનાકાળ પહેલાથી અમલમાં મૂકી છે.

આજે તો એમના ડિજિટલ, વર્ચ્યુલ ક્લાસમાં તેમની પાસે વિવિધ પ્રોગ્રામિંગ લેન્ગવેજ  શીખવા ભારત ઉપરાંત દુનિયાભરના વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા, યુકે, યુએસ, મલેશિયા, દુબઈ વગેરે દેશોમાંથી કોડિંગ, સાથે અન્ય સોફ્ટવેર રિલેટેડ શિક્ષણ મેળવવા જોડાઈ રહ્યા છે. શ્યામ કહે છે કે, ઇન્ટરનેટ આવિષ્કાર પછી દુનિયાનું શિક્ષણ સ્વરૂપ પુર્ણતઃ બદલાઈ ગયું છે.

અમદાવાદનો આ યુવાન આજે દિવસભર નેટ કનેક્ટિવિટી દ્વારા કાશ્મીરના શ્રીનગર શહેરના દાલ લેક કિનારે સહેલગાહ કરતા કરતા વિશ્વના યુવાનોને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેન્ગવૅજ વિષયે શિક્ષિત કરે છે. શ્યામ કહે છે કે મને કોરોના સમયે અભ્યાસલક્ષી કોઈ ખાસ તકલીફ પડી નથી. લોકડાઉન સમયે પણ મારા સાથે જોડાયેલા વિશ્વના અનેક બાળકો કોડિંગ શીખી રહ્યા હતા.

શ્યામ કહે છે કે અહીંયા આ કાશ્મીરી બાળકોની વધારે કાળજી જરૂરી છે. છેલ્લા ત્રણ ચાર વર્ષથી કાશ્મીર અનેક સમસ્યાઓ સહન કરી રહ્યું છે, નોટબંધી, સ્વતંત્રતા, કોરોના વગેરેની પારાવાર તકલીફો વચ્ચે ભારતીય સૈન્ય પ્રજાનું રક્ષણ કરે જ છે, પણ બાળકોનું સાચુ રક્ષણ તો શિક્ષણ દ્વારા શિક્ષક જ કરી શકશે. અલ મદીના જેવી ખાનગી અનેક શાળાઓ ને પણ આર્થિક સમસ્યા પજવી રહી છે. ફી ના મળે, તો શાળા સંચાલન અઘરૂં બને તે કડવી વાસ્તવિકતા છે.

તેઓ કહે છે કે કેન્દ્ર સરકાર તેમની રીતે પ્રયાસ કરે છે, હું પણ મારાથી શક્ય કાર્ય કરૂં છું. અમદાવાદ રહીને જે ઓનલાઇન વર્ગો ચલાવાય તે અહીંથી પણ કરી શકાય છે. સાથેસાથે બાકીનો વાસ્તવિક સમય અહીના બાળકો સાથે બાળક બનીને પસાર કરૂં છું. આ 'મૂક-ઝુંબેશ'માં રીતુ અને વેદિકા મારી સાથે છે તે મારા માટે અધિક ગૌરવ છે. વિશ્વના તમામ બાળકો માટે ડિજિટલ શિક્ષણ સ્થાપવા આ ભૂમિને કર્મભૂમિ બનાવવા હું એટલા માટે વધારે ઉત્સુક છું કારણ કે આ કાશ્મિરી પ્રજાજનો મને તેમનો પોતીકો જ ગણે છે. અને અહીના દરેક બાળકમાં મને મારી દીકરી વેદિકા જ દેખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp