કેશોદના નાનકડા ગામની કોલેજીયન યુવતીએ આ કારણે વાળ કપાવી નાખ્યા

PC: news18.com

દરેક યુવતી અને મહિલાઓને તેના વાળ ખૂબ જ પ્રિય હોય છે. કારણ કે, વાળની અવનવી સ્ટાઈલ જ તેમની ખૂબસુરતીને વધારે છે. મહિલા અને યુવતીઓ માટે તેમના લાંબા વાળનો ત્યાગ કરવો એ ખૂબ મુશ્કેલ કામ હોય છે. ત્યારે સૌરાષ્ટ્રના એક નાનકડા એવા ગામની યુવતીએ પોતાના વાળનું દાન કેન્સરગ્રસ્ત મહિલાઓ માટે કરીને માનવતા મહેકાવી છે. આ યુવતી જૂનાગઢના કેશોદ તાલુકામાં આવેલા ખીરસરા ઘેડ નામના નાનકડા ગામમાં પરિવારની સાથે રહે છે અને તેનું નામ રવિના સોંદરવા છે.

રવિનાના પિતા લીલાધર કડીયાકામ કરીને પરિવારનું ગુજરાત ચલાવે છે અને રવિના કેશોદમાં આવેલો એક કોલેજમાં BAના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને તે NCCની એક કેડેર છે. રવિના એક દિવસ જ્યારે કેન્સરની બીમારી વિષે કોઈ લેખ વાંચતી હતી ત્યારે તેને જાણવા મળ્યું હતું કે, કેન્સરની સારવાર લેતી મહિલાઓને કેમોથેરાપી આપવામાં આવે તો તે મહિલાના માથાના વાળ જતા રહે છે. ત્યારબાદ તેને કેન્સરની સારવાર લઇ રહેલી કેટલીક મહિલાના ફોટાઓ પણ તેને જોયા હતા. કેન્સરની સારવાર દરમિયાન જે મહિલાઓએ તેમના વાળ ગુમાવ્યા તેમના માટે રવિના ખૂબ દુઃખી થઇ હતી અને આ મહિલાઓ માટે કઈ કરી બતાવવાની લાગણી રવિનામાં ઉભી થઇ હતી.

કેન્સરની સારવાર લઇ રહેલી મહિલાઓ માટે રવિનાએ પોતાના વાળનું દાન આપવાનું નક્કી કર્યું અને રવિનાએ વાળના દાન માટે અમદાવાદની એક સંસ્થાનો સંપર્ક કર્યો હતો. સામાજિક સંસ્થાના લોકોની સાથે મુલાકાત પછી રવિનાએ પરિવારના સભ્યોની પાસેથી પોતાના વાળ ઉતરાવવાની મંજૂરી માગી હતી. ત્યારબાદ રવિનાએ પોતાના વાળ કેશોદમાં આવેલા એક હેર સલુનમાં ઉતરાવ્યા હતા. રવિના હવે તેના વાળને પોસ્ટલ કુરીયરની મદદથી સામાજિક સંસ્થાને અમદાવાદ મોકલશે. બીજી મહત્ત્વની વાત છે કે, રવિનાના વાળ દાન કરવાનો ઉમદા હેતુ જોઈને સલુનના માલિક દ્વારા પણ રવિનાના વાળ ઉતારવાનો એક પણ રૂપિયો લેવામાં આવ્યો નહોતો. સાથે જ આગામી દિવસોમાં રવિનાને પોતાના વાળની કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવવી હોય તો તેની પાસેથી એક પણ રૂપિયો નહીં લેવાની જાહેરાત કરી હતી.

રવિનાએ આ બાબતે જણાવ્યું હતું કે, આ કાર્યથી મારા મિત્રોની ટીખળનો સામનો મારે કરવો પડ્યો હતો. પણ મેં તેની પરવા ન કરી અને આજે મને ગૌરવ છે કે, મે મારો સંકલ્પ પૂર્ણ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp