પાટણના રેવન્યુ તલાટીએ માસ્ક મામલે યુવકોને ડંડાથી ફટકાર્યા, જુઓ ફોટા

PC: news18.com

ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. બીજી લહેર ગુજરાતના લોકો માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. પોઝિટિવ કેસોની સાથે-સાથે મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા લોકોને નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. જે લોકો નિયમનો ભંગ કરે છે તેમની પાસેથી દંડ વસૂલાત પણ કરવામાં આવી રહી છે. રાજ્યમાં કોરોના વકર્યો હોવા છતાં પણ હજુ પણ કેટલાક લોકો તેને ગંભીરતાથી ન લઈ રહ્યા હોય તેવા પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે કોરોનાની ગાઈડલાઈનના પાલનને લઈને ક્યારેક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના રેવન્યુ તલાટીએ માસ્ક મામલે યુવકોને લાકડીથી ફટકાર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

રિપોર્ટ અનુસાર પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુંવર ગામમાં તલાટી રાઉન્ડ પર હતા. તે સમયે કેટલાક યુવકો સાથે માસ્ક મામલે તલાટીએ બોલાચાલી કરી હતી. રેવન્યુ તલાટીએ બાઈક પર ફરતા યુવકોને અટકાવ્યા હતા અને ત્યારબાદ યુવકોને લાકડી વડે ફટકાર્યા હતા. તલાટીને પોતાની પાસે લાકડી રાખવાનો અને યુવકોને આ રીતે રસ્તા વચ્ચે માર મારવાનો કોઈ અધિકાર ન હોવાના કારણે ગામના લોકોમાં તલાટીની આ કામગીરીને લઇને રોષ જોવા મળી રહ્યો છે. તો કેટલાક લોકોનું એવું કહેવું છે કે, યુવકોએ માસ્ક પહેર્યુ હોવા છતાં તલાટી સિંઘમ બંને યુવકોને ડંડા વડે ફટકાર્યા હતા.

ગામ લોકો એવું કહી રહ્યા છે કે, યુવકોએ માસ્ક પહેર્યુ હતું પરંતુ તલાટી એવું કહી રહ્યા છે કે, યુવકોએ માસ્ક પહેર્યુ ન હતું. તો બીજી તરફ કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે, જો યુવકોએ માસ્ક ન પહેર્યું હોત તો તેમને દંડ કરી શકાય પરંતુ તેમને શા માટે માર મારવામાં આવ્યો અને રેવન્યુ તલાટીને મારવાની સત્તા કોણે આપી.

તલાટીએ ત્રણ યુવકોને ડંડા વડે ફટકાર્યા હોવાના વીડિયો અને ફોટાઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે અને તલાટીની આ કામગીરીને જોઈને લોકો પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે, જેમને હાથમાં લાકડી લેવાની સત્તા નથી તેમને કયા અધિકારથી યુવકોને ફટકાર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp