પેટ્રોલ-ડીઝલ પર વેટના દરો બાબતે નાણાપ્રધાન નીતિન પટેલે આપ્યો આ જવાબ 

PC: https://www.facebook.com/NitinbhaiPatelbjp

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થાય તે માટે રાજ્ય સરકાર વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે વેટમાં કોઇ ઘટાડો કરવા માગતી નથી તેવું કહીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકોને મોંઘવારીના સમયમાં રાહત આપવાનો ઇન્કાર કર્યો છે.

તેમણે કહ્યું છે કે ગુજરાતમાં બીજા રાજ્યોની સરખામણીએ વેટના દરો ખૂબ ઓછા છે તેથી અત્યારે વેટના દરો ઘટાડવાની કોઇ આવશ્યકતા નથી. તેમણે કહ્યું કે ગુજરાત કરતાં દેશના 14 રાજ્યોમાં વેટના દરો વધુ છે તેથી વેટ ઓછું કરવાની કોઇ જરૂર નથી. તેમણે એવો દાવો કર્યો હતો કે વેપાર ધંધામાં ગ્રોથ આવશે.

નાણામંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કર્યા બાદ મિડીયા સાથેની ચર્ચામાં કહ્યું હતું કે 2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ બનાવવમાં આવ્યું છે, કોરોના સંક્રમણ દરમ્યાન રાજ્યમાં વ્યાપાર અને ઉદ્યોગો ધીમે ધીમે શરૂ થયાં હોવાથી જીએસટીની આવકમાં ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે.

દેશના અન્ય રાજ્યોની જેમ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યાં છે ત્યારે સરકારે વેટના દરો ઘટાડવાનો ઇન્કાર કર્યો છે. નીતિન પટેલ અન્ય રાજ્યોની સરખામણી કરી રહ્યાં છે પરંતુ જે બીજા રાજ્યોમાં વેટના દરો ઓછા છે તેનો ઉલ્લેખ કરવાનું ટાળી રહ્યાં છે. તેમણે કહ્યું કે કોરોના સંક્રમણના કારણે રાજ્ય સરકારની તિજોરી પર ચાલુ વર્ષે 40 ટકા ટેક્સ ઓછો આવ્યો છે પરંતુ જાન્યુઆરી મહિનાની સરખામણીએ ફેબ્રુઆરીમાં ટેક્સની આવકમાં વધારો નોંધાયો છે.

તેમણે એમ પણ કહ્યું કે પેટ્રોલ ડિઝલના ભાવો પર અમારો કોઇ નિયંત્રણ નથી. ભાવો જે તે કંપનીઓ નક્કી કરે છે. અમારી પાસે તો માત્ર વેટ વલુસવાની સત્તા છે. જો પેટ્રોલના ભાવ વધે તો વેટ વધુ મળે પરંતુ જ્યારે પેટ્રોલના ભાવ ઘટે તો વેટની આવક ઘટે પણ છે. એટલે આપણે ત્યાં વેટ ઘટાડવાનો સવાલ આવતો નથી. 

 

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp