અમદાવાદ એરપોર્ટ પર અદાણીની લૂંટ, જ્યાં ફ્રી જગ્યા મળી હતી ત્યાં ચાર્જ શરૂ કર્યો

PC: financialexpress.com

અમદાવાદ એરપોર્ટનું સંચાલન શરૂ કર્યા પછી અદાણી જૂથ એક પછી એક વિવાદમાં આવતું રહ્યું છે. પહેલાં પાર્કિંગના ચાર્જમાં વિક્રમી વધારો કર્યો અને હવે જે ફીમાં હતું તેના ચાર્જ લાગુ કર્યા છે. અમદાવાદ એરપોર્ટ પર કેબ સર્વિસ માટેની જગ્યા ફ્રી આપવામાં આવી હતી પરંતુ હવે તે ચાર્જેબલ છે.

કેન્દ્ર સરકારના મનસ્વી નિર્ણયનો ભોગ અમદાવાદ એરપોર્ટ પર જતા લોકો બની રહ્યાં છે. અદાણીના મેનેજમેન્ટ સામે એરપોર્ટને સંલગ્ન સેવાઓના લોકોને દામ ચૂકવવા પડી રહ્યાં છે. અદાણી કંપની એક પછી એક વિવાદ શરૂ કરતી જાય છે. અદાણીએ ચાર્જ સંભાળ્યા પછી પહેલાં તો સરદાર પટેલ એરપોર્ટનું નામકરણ બદલીને અદાણી કરી દીધું હતું પરંતુ વ્યાપક વિરોધ થતાં તે પાછું ખેંચવું પડ્યું છે.

અદાણીએ નામકરણ પછી કાર અને વાહન પાર્કિંગના નિર્ધારિત દરોમાં અનેકગણો વધારો કરી દીધો હતો. આ દરોમાં હોબાળો થતાં પાર્કિંગની સમય અવધિ થોડી લંબાવી આપી હતી પરંતુ દરો ઓછા કર્યા ન હતા. હવે અદાણીએ કેબ સર્વિસ માટે ફ્રી અપાયેલી જગ્યાના એકાએક ચાર્જ લેવાના શરૂ કરી દીધા છે. 13મી એપ્રિલની મધ્યરાત્રીથી પ્રથમ કલાક વિનામૂલ્યે રાખીને ત્યારપછીના પ્રત્યેક કલાકના 50 રૂપિયાનો ચાર્જ વસૂલ કરવાનું નક્કી કર્યું છે.

અમદાવાદ એરપોર્ટ પર અગાઉ કેબ સંચાલકો માટે ગુજસેલની કચેરી પાસે જગ્યા ફ્રી આપવામાં આવી હતી. હવે ઇન્ટરનેશનલ ટર્મિલન પર ચાર્જ લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. 12મી એપ્રિલે દાખલ થયેલી કારનું 13મી એપ્રિલે સવારે 9.30 કલાક પ્રમાણે 7900 રૂપિયાનું બીલ પકડાવી દેવામાં આવ્યું છે.

કેબ સર્વિસ માટેના ચાર્જ 13મી એપ્રિલની મધરાતથી અમલમાં આવતા હોય તો અદાણીએ 12મી એપ્રિલના રોજના દરો કેમ વસૂલ કર્યા છે તે મોટો સવાલ છે. કેબ સંચાલકને આટલું મોટું બીલ આપવામાં આવ્યું છે. કારના અધુરા નંબર એન્ટર કરીને અન્ય નંબરના આધારે પૈસા પડાવવાનો ધંધો એરપોર્ટ પર શરૂ થયો હોવાનું કેબ સંચાલકો કહી રહ્યાં છે.

કેબ સંચાલકોએ કહ્યું હતું કે અમારૂં તમામ રીતે શોષણ કરવામાં આવી રહ્યું છે. અમે સરકાર સમક્ષ અપીલ કરીએ છીએ કે અમને જે જગ્યા ફ્રીમાં આપવામાં આવી છે તેના અદાણી મેનેજમેન્ટે ચાર્જ શરૂ કર્યા છે. આ ચાર્જ અંગે અદાણીના અધિકારીઓને પૂછવામાં આવતા તેઓ મૌન બની ગયા હતા અને કંઇ પણ પ્રતિક્રિયા આપવા તૈયાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp