કોઈપણ ટ્યુશન ન લેનારી ઘટા શાહને VNSGU પદવીદાન સમારોહમાં 2 ગોલ્ડ મેડલ

PC: khabarchhe.com

સુરતના વડાચૌટા વિસ્તારમાં રહેતી અને એસ.પી.બી.કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી ઘટા શાહને બી.કોમ. માં ઉચ્ચત્તમ માર્ક્સ તેમજ એડવાન્સ્ડ એકાઉન્ટીંગ અને ઓડીટીંગના ખાસ વિષયમાં ઉચ્ચ CGPA મેળવવા બદલ બે ગોલ્ડ મેડલ મળ્યા છે. ઘટા શાહના પિતા હરેશ શાહ સી.એ. છે અને માતા આભાબેન નવયુગ કોલેજમાં પ્રોફેસર છે. તેણે હર્ષ વ્યકત કરતાં જણાવ્યું કે, મેં આજ સુધી શાળા કે કોલેજ અભ્યાસ દરમિયાન કોઈ પણ પ્રકારના ટ્યુશનની મદદ વિના આ સિદ્ધિ મેળવી છે. એડવાન્સ્ડ એકાઉન્ટીંગ અને ઓડીટીંગ વિષય અઘરો હોવા છતાં હું જાતે જ શીખી આગળ વધી છું. અને આ વિષયમાં પારંગત થઈ છું. માતાપિતાના સહયોગ અને શિક્ષકોના માર્ગદર્શનથી ભણી-ગણીને આગળ વધવાની પ્રેરણાના કારણે આજે ગોલ્ડ મેડલ અને પારિતોષિક મેળવીને મારા પિતાની ઈચ્છા પૂર્ણ કરી છે.

MS(ઓપ્થેલ્મોલોજી)માં સૌથી વધુ ગુણાંક બદલ ડૉ.પિંકલ શિરોયાને ગોલ્ડ મેડલ એનાયત

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજમાં એમ.એસ. (ઓપ્થેલ્મોલોજી)ના અભ્યાસમાં સૌથી વધુ ગુણાંક મેળવવા બદલ સુરતના ડો.પિંકલ શિરોયાને નર્મદ યુનિવર્સિટીના પદવીદાનમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. સુરતના પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા અને લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના ચેરમેન પ્રફુલ શિરોયાની પુત્રી છે. ડો.પિંકલ શિરોયા એમ.બી.બી.એસ. પૂર્ણ કર્યા બાદ હાલ તામિલનાડુના કોઇમ્બતુર ખાતે કોર્નિયાના ટ્રાન્સપ્લાન્ટ (આંખની કીકીના પ્રત્યારોપણ)ના વિષયમાં સ્પેશ્યલાઇઝેશન કરી રહ્યાં છે. ડો.પિંકલ જણાવે છે કે, મારા પિતા લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના માધ્યમથી સેવાપ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. તેઓની પ્રેરણાથી હું આંખની ડોક્ટર બની છું. નેત્રદાનથી મળતાં ચક્ષુઓને કોઈ જરૂરતમંદ વ્યક્તિમાં પ્રત્યારોપણ કરી તેને પુન:દ્રષ્ટિ આપી શકાય છે. માતાપિતાના હૂંફ અને માર્ગદર્શનથી અભ્યાસ કરીને સફળતા મેળવી છે. કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટમાં નિષ્ણાંત બની જેમણે દ્રષ્ટિ ગુમાવી છે એમને દ્રષ્ટિ પાછી મળે એ માટે કામ કરીશ.

ઉધનાની શ્રેયા સિંહે ઈંગ્લીશ લિટરેચરમાં 3 ગોલ્ડ મેડલ મેળવ્યા

નર્મદ યુનિવર્સિટીના 52મા પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની ખુશી સમાતી નહોતી. વિદ્યાર્થીઓ સંઘર્ષમય પરિસ્થિતિમાંથી પસાર થઈને સતત પરિશ્રમ દ્વારા સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરતા હોય છે, ત્યારે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થાય તો મળતો આનંદ અનેકગણો હોય છે.

આવી જ એક વિદ્યાર્થીની શ્રેયા સિંહે માસ્ટર ઓફ ઈંગ્લીશ લિટરેચરનો અભ્યાસ કરી ગોલ્ડ મેડલ અને પારિતોષિક પ્રાપ્ત કર્યા છે. 25 વર્ષીય શ્રેયા ઉધના વિસ્તારમાં પિતા સાથે રહે છે. તેમના પિતા સીસા કંપની ખાતે સીઆઈટી હેડ તરીકે ફરજ બજાવી રહ્યા છે, જયારે માતા ઝારખંડના રાંચીમાં શિક્ષીકા છે. આ મેડલ મેળવવા પાછળ માતા પિતા અને પ્રોફેસરોની મહેનત છે એમ તેણે કહ્યું હતું. શ્રેયાએ જણાવ્યું કે, હું રોજ કલાકો સુધી અભ્યાસ કરતી. સોશ્યલ મીડિયાનો માત્ર અભ્યાસ માટે જ ઉપયોગ કરૂ છું. મેં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઈંગ્લીશ વિભાગથી મારું શિક્ષણ પૂર્ણ કર્યું. ઈંગ્લીશ વિષયમાં ખુબ જ રૂચિ હોવાથી આ વિષયમાં તેણે અનુસ્નાતકની ડિગ્રી લેવાનું પસંદ કર્યું અને તેમાં 8.00 (CGPA) પ્રાપ્ત કર્યા.

ઉધનાગામમાં રહેતા પ્રજ્ઞેશ પટેલે ગણિત વિષયમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યાઃ

દક્ષિણ ગુજરાત યુનિ.માં પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક સાયન્સ વિભાગમાં ભણતા વિદ્યાર્થી પ્રજ્ઞેશ પટેલે બે મેડલ મેળવ્યા હતા. ઉધનાગામમાં રહેતાં 23 વર્ષીય પ્રજ્ઞેશ અમૃત પટેલ માસ્ટર ઇન મેથેમેટિક્સમાં સૌથી વધુ 9.92 (CGPA) ઘરાવે છે . પ્રજ્ઞેશ જણાવ્યું કે, મારા માતા પિતાના સાથ સહકાર વગર આ શક્ય ન હતું. મારા પિતા સરદાર માર્કેટમાં એકાઉન્ટીંગનું કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp