ગુજરાતના આ ગામમાં સુવિધાનો અભાવ, ઝાડની ડાળી પર બોટલો બાંધી દર્દીઓને ચઢાવાય છે

PC: dainikbhaskar.com

ગુજરાતનાં ગામડાઓમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ગામડામાં દર્દીઓને આરોગ્યની સેવાઓ પણ સરખી રીતે મળી રહી નથી. ત્યારે પંચમહાલના અંતરિયાળ ગામડાઓની જો વાત કરવામાં આવે તો ત્યાં લોકોને હોસ્પિટલના અભાવે વૃક્ષ પર બોટલો બાંધીને સારવાર લેવાનો વારો આવ્યો છે.

રિપોર્ટ અનુસાર પંચમહાલમાં વહીવટીતંત્ર દ્વારા ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની કામગીરી સારી રીતે કરવામાં આવતી હોવાના દાવાઓ કરવામાં આવે છે. પરંતુ મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણી બાદ મોરવાહડફમાં પણ કોરોના પોઝિટિવ કેસો વધ્યા છે. ત્યારે મોરવાહડફમાં આવેલા ખટવા ગામમાં આરોગ્ય તંત્રની મોટી બેદરકારી સરકારી સામે આવી છે. કારણકે ખટવા ગામમાં 20 દિવસમાં કોરોનાના શંકાસ્પદ 11 લોકોના મોત થયા છે. આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં પણ ટેસ્ટિંગની કામગીરી તંત્ર દ્વારા સંપૂર્ણ રીતે કરવામાં આવતી નથી. ખટવા ગામના લોકોને સારવાર લેવી હોય કે, ટેસ્ટીંગ કરવું હોય તો ગામથી 7 કિલોમીટર દૂર આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જવું પડે છે પરંતુ આરોગ્ય કેન્દ્રમાં પણ ડોક્ટર અને સ્ટાફનો અભાવ હોવાના કારણે લોકોને છેલ્લે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી પડે છે.

તો બીજી તરફ ગામના લોકોએ પણ તંત્રના દાવાની પોલ ખોલી છે. લોકોનું કહેવું છે કે, ગામડામાં સારવાર તો નથી મડતી પરંતુ ટેસ્ટિંગ પણ સરખી રીતે થતું નથી તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ પણ કરવામાં આવતો નથી. ગામના કેટલા લોકોને પણ ખબર નથી કે લોકોને કોરોના થાય કે, લક્ષણો જણાય તો સારવાર કઈ જગ્યા પર લેવી.

લોકોના એવો પણ દાવો છે કે, સરકારના ચોપડે આ ગામમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. ગામમાં હજુ સુધી કોરોનાના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી પરંતુ હાલ ટેસ્ટિંગ કરવામાં આવે તો ગામના ઘણા વૃદ્ધો પોઝિટિવ આવી શકે છે અને આજ કારણે કેટલાંક લોકો તો ખાનગી ડોક્ટર પાસે સારવાર લઇ રહ્યા છે. કેટલાક પોઝિટિવ દર્દીઓને તો છાપરા વગરના મકાનમાં અલગ રાખવામાં આવ્યા છે. ગામમાં પ્રાથમિક શાળામાં કોવિડ કેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. છતાં પણ લોકોને છત વગરના મકાનમાં સારવાર લેવી પડી રહી છે.

તો બીજી તરફ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની દૂર માત્ર 100 મીટરના અંતરે ખાનગી દવાખાનું આવેલું છે અને ખાનગી હોસ્પિટલમાં વધારે લોકો જતા હોવાના કારણે ડૉક્ટર પાસે જગ્યાનો અભાવ છે. જેથી ડોક્ટર તેના હોસ્પિટલની પાછળના ભાગમાં એક લીમડાના વૃક્ષની નીચે દર્દીઓને ગાદલા નાખીને સૂવડાવે છે અને ઝાડની ડાળીઓ પર દવાની બોટલો બાંધીને દર્દીઓને બોટલ ચઢાવવામાં આવે છે.

ગામમાં સારવાર માટેની પરિસ્થિતિ આટલી ખરાબ હોવા છતાં પણ આરોગ્ય તંત્રનું પાણી હાલતું નથી. તો ગામના સરપંચના મતે ગામમાં કોરોનાના કારણે ત્રણ લોકોના મોત થયા છેમ છતાં પણ આરોગ્યની સેવા આપવામાં આવી નથી. ખાટવા ગામમાં પ્રાથમિક શાળામાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ કોવિડ કેર સેન્ટરમાં બેડ પણ ગોઠવવામાં આવ્યા છે પરંતુ કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિમીટર કે બ્લડપ્રેશર માપવાનું મશીન બંધ છે. આ ઉપરાંત થર્મલ ગન પણ નથી. બસ ખાલી દેખાવ માટે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે.

તો બીજી તરફ મેત્રાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઈન્ચાર્જ ઓફિસર ડોક્ટર રવિન્દ્ર બામણીયાએ જણાવ્યું હતું કે, ખટવા ગામથી 7 કિલોમીટરના અંતરે મેત્રાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. ખટવા ગામમાં કોરોનાનો એક પણ કેસ પોઝિટિવ આવ્યો નથી. આરોગ્ય કેન્દ્રમાં કોરોના ટેસ્ટિંગ માટેની કીટ નથી. જેથી હાલ ટેસ્ટિંગ બંધ છે. આરોગ્ય કેન્દ્રમાં તમામ સુવિધા ઉપલબ્ધ છે. આસપાસના ગામડાઓમાં પણ સાધન ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જે લોકો શંકાસ્પદ દેખાય છે તેમને સારવાર આપવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp