મેયરપદ માટે પૂર્વ-પશ્ચિમનો વ્યૂહ, મેયર પશ્ચિમમાંથી તો કમિટીના ચેરમેન પૂર્વના હશે

PC: pinterest.com

છ મહાનગર પાલિકાની ચૂંટણી બાદ હવે મહત્ત્વના પદ માટેની રેસ શરૂ થઈ ગઈ છે. તમામ મહાનગર પાલિકામાં અનુભવી અને પ્રબળ વ્યક્તિઓ માટે નામની ચર્ચાઓ ચાલી રહી છે. અમદાવાદ કોર્પોરેશન માટે મેયર, સ્ટેન્ડિગ કમિટી ચેરમેન, ડે. મેયર, દંડક, પક્ષ નેતા અને એએમટીએસના ચેરમેનની પસંદગી ભાજપની પાર્લામેન્ટરી કમિટીમાં થાય એવી પૂરી શક્યતાઓ છે.

અગાઉ જો મેયર પૂર્વના વિસ્તારના હોય તો સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન પશ્ચિમના વિસ્તારના નિમાતા. જ્ઞાતિનું સમીકરણ પણ ધ્યાને લેવાતું હતું. મેયર જો અનામત બેઠકમાંથી હોય તો સ્ટેન્ડિગ કમિટી ચેરમેન અન્ય જ્ઞાતિમાંથી, ડે.મેયર બીજા જ્ઞાતિમાંથી એ રીતે પસંદગી કરવામાં આવતી હતી. જોકે, વર્ષ 2015માં મેયર પદે મીનાક્ષી પટેલ, સ્ટેન્ડિગ કમિટી ચેરમેન પદે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી પૂર્વ પશ્ચિમ તેમજ જ્ઞાતિ ફોર્મેટનો છેદ ઉડાવી દેવામાં આવ્યો હતો. આ પહેલાની ટર્મમાં આવા હોદ્દેદારોની પસંદગી પાર્લામેન્ટરી બોર્ડે કરી હતી. કોર્પોરેશનમાં ભાજપ વર્ષ 1987થી સત્તા પર છે. અત્યાર સુધીમાં એક જ વખત ઓબીસીમાંથી પ્રફુલ્લ બારોટને ચેરમેન બનાવવામાં આવ્યા હતા. સૌથી વધુ વખત પટેલ સમાજના સભ્યને જ ચેરમેન પદ સોંપવામાં આવ્યું છે. માત્ર અમદાવાદ જ નહીં રાજકોટ, જામનગર તથા ભાવનગરમાં પણ ચેરમેન અને મેયર પદ માટે નામનો દાવો કરવામાં આવી રહ્યો છે. પણ ચૂંટાયેલી ટુકડીમાં કોઈ સત્તાવાર રીતે કોઈનું નામ જાહેર કરતા નથી. રાજકોટ સહિતની મહાનગર પાલિકાના નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના નામ સરકાર જાહેર કરે તે સાથે જ ગમે ત્યારે નવા પદાધિકારીઓની વરણી માટેનો જનરલ બોર્ડનો એજન્ડા કમિશ્નરની સૂચનાથી બહાર પડવાનો છે.

આવતા અઠવાડિયે મહાનગર પાલિકામાં મેયર, ડે. મેયર, શાસક નેતા, દંડક, વિપક્ષ નેતાની પસંદગી સ્પષ્ટ થશે. આ સાથે રાજકોટમાં અઢી મહિના સુધી યથાવત રહેલા વહીવટદાર શાસન પર પૂર્ણ વિરામ મૂકાશે. રાજકોટના 18 વોર્ડની 72 બેઠકની ચૂંટણી યોજાતા જનતાએ 68 બેઠક ભાજપને આપી છે. તો વિપક્ષને માત્ર 4 સીટ મળી છે. હાલમાં ચૂંટાયેલા સભ્યો સહિત પ્રજાની નજર પર મેયર તથા કમિટીના ચેરમેન તરીકે કોણ આવે છે એના પર ચોંટી છે. રાજકોટમાં પ્રથમ અઢી વર્ષ ઓબીસી અને બીજા અઢી વર્ષ મહિલા મેયરનું રોટેશન આવ્યું છે. ભાજપમાંથી ઓબીસી સમાજમાંથી ચૂંટાયેલા કોર્પોરેટરો પૈકી 6થી વધુ જેટલા નામ મેયર પદ માટે ચર્ચામાં છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp