વિજય રૂપાણીએ CM પદ સંભાળતી વખતે જનતાને ચાર વચન આપ્યા હતા, જે નિભાવ્યાઃ ચુડાસમા

PC: khabarchhe.com

રાજ્ય સરકારનાં પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્ય સરકારનો ભાગ હોવાનું ગૌરવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે પાંચ વર્ષ પહેલાં મુખ્યમંત્રી પદ સંભાળતી વખતે વિજય રૂપાણીએ રાજ્યની જનતાને નિર્ણાયક, સંવેદનશીલ, પારદર્શક અને પ્રગતિશીલ બનવાનાં ચાર વચન આપ્યાં હતાં. તેમના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે આ ચારેય વચન નિભાવ્યાં છે. એટલું જ નહીં, આજનો આ કાર્યક્રમ એ પાંચ વર્ષની ઉજવણી નથી, પરંતુ સરકારે જે કહ્યું હતું તેના કરતાં પણ વધારે કામગીરી કરી હોવાની વાત લોકો સમક્ષ લઈ જવાનો કાર્યક્રમ છે.

રાજ્ય સરકારની કામગીરીનો વિરોધ કરનારા વિપક્ષીઓનો ઉલ્લેખ કરીને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે તેમના જ સત્તાકાળમાં 'નો ડિટેન્ટશન પોલિસી' લાવીને બાળકના પાયાના શિક્ષણને કાચું રખાયું હતું. પરંતુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે નવી એજ્યુકેશન પોલિસીમાં સુધારા કરીને વિદ્યાર્થીનું ફાઉન્ડેશન કાચું ન રહે તેના ઉપાય કરવામાં આવ્યા છે. આ માટે એકમ કસોટી, સત્રાંત પરીક્ષા અને બ્રિજ કોર્સના માધ્યમથી બાળકોનો પાયો પાકો કરાયો છે. એટલે જ, આજનો કાર્યક્રમ ખરા અર્થમાં જ્ઞાનશક્તિનું પર્વ છે.

રાજ્ય સરકારની છેલ્લાં પાંચ વર્ષની ઝલક આપતાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે આજે ગુજરાત વીજળીમાં સરપ્લસ છે, અન્ન સલામતી કાયદા હેઠળ રાજ્યના 3.46 કરોડ લોકોને અનાજનું વિતરણ કરવામાં આવે છે, ધો. 1થી 10ના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ આપવામાં આવે છે. આગામી વર્ષ 2022 સુધીમાં રાજ્યનું કોઈ ગામ પીવાના પાણીથી વંચિત ન રહી જાય એ 'જલ સે નલ' યોજનાનું લક્ષ્ય છે. વ્હાલી દીકરી યોજના, નિયત આવકવાળા લોકો માટે આરોગ્યની સુવિધા આપતી મા યોજના, ગંગા સ્વરૂપા બહેનો અને વૃદ્ધો માટે સહાય આપનારું ગુજરાત એક માત્ર રાજ્ય છે. સગર્ભા અને ધાત્રી માતાને તેમના ઘરે રાશન પહોંચે એ તમામ જવાબદારી સરકારે નિભાવી છે.

આજે ગુજરાતની શાન સમાન વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીની શરૂઆતમાં અનેક વિરોધીઓએ ટીકા કરી, પણ દુનિયાએ તેની કદર કરી છે. આજે રોજ 15 હજાર લોકો આ પ્રતિમાની મુલાકાતે આવે છે. અનેક લોકોને તેનાથી રોજગારી પણ મળી છે. છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્ય સરકારના કેન્દ્ર સાથેના સંબંધોના કારણે ગુજરાતને એઇમ્સ અને રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે. ધોલેરા સર, એક્સપ્રેસ-વે ઉપરાંત નાગરિકોનાં સુખ, શાંતિ અને સલામતી માટે ગુંડા એકટ, ગૌહત્યાનો કાયદો, ગોપાલન કરનારને સહાય આપવા સહિતના મહત્વના નિર્ણયો લેવાયા છે.

તેમણે કહ્યું હતું કે, એક સમયે જ્યારે નાના ગામડામાં ખેડૂત જ્યારે રાત્રે પાણી વાળવા જાય, ત્યારે ખેતરે એ જાગે અને ઘરે તેની ચિંતામાં તેનો પરિવારે જાગવું પડતું. તેના સ્થાને આજે દિવસે વીજળી આપી, દિવસે કામ અને રાત્રે આરામ અપાવવાનું કામ આ સંવેદનશીલ સરકારે કર્યું છે. મુખ્યમંત્રીની સંવેદનશીલતાનું ઉદાહરણ આપતાં શિક્ષણમંત્રીએ કહ્યું કે વર્ષ 2017માં બનાસકાંઠામાં અતિવૃષ્ટિના સમયે CM વિજય રૂપાણીએ તેમનો જન્મદિવસ પણ પૂરના સ્થળે અન્ય નાગરિકોની વચ્ચે રહીને જ ઉજવ્યો હતો. એટલું જ નહીં, વર્ષ 2017ની અતિવૃષ્ટિ હોય, 2018નો ઓછા વરસાદ હોય, 2019નો કમોસમી વરસાદ અને 2020માં એમ ચાર વર્ષમાં કુલ રૂા. 9,552 કરોડની સહાય ખેડૂતોને કરવામાં આવી છે.

રાજ્ય સરકારની પારદર્શકતા અંગે વાત કરતાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ઓનલાઇન એનએ, ફેસલેસ એપોઇન્ટમેન્ટ સિસ્ટમ, કોઈ પણ ભરતી, બદલી કે બઢતીમાં ઓનલાઇન કામગીરી એ પારદર્શકતાનો પુરાવો છે. એટલું જ નહીં, કોરોનામાં સમયોચિત નિર્ણય લઈને સમીક્ષા, અવલોકન, આયોજન માત્ર ગુજરાતમાં થયું છે. આજે રાજ્યના કોઈ પણ સરકારી કર્મચારીનું મૃત્યુ કોરોનાના કારણે થાય, તો તેના માટે રાજ્ય સરકાર દ્વારા રૂા. 25 લાખની સહાય, બાળકના માતાપિતા ન હોય તેને માસિક રૂા. 4 હજારની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. રાજ્ય સરકારની આ સંવેદનશીલતામાંથી પ્રેરણા લઈને મુંબઈની સંસ્થા દ્વારા આવાં નિરાધાર બાળકોની ખાનગી શાળાની ફીની રૂા. 50 હજાર સુધીની ફી ચૂકવવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યને કોરોનામુક્ત કરવા માટે ‘મારું ગામ, કોરોના મુક્ત ગામ’ની શરૂઆત કરવામાં આવી અને આજે પણ જો કોરોનાનું ત્રીજું વેવ આવે, તો તેના માટે આગોતરા આયોજનરૂપે રાજ્ય સરકાર દ્વારા બે મહિના પહેલાંથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. તાઉતે વાવાઝોડામાં પણ રાજ્ય સરકારના નક્કર આયોજન થકી અનેક લોકોના જીવ બચાવી શકાયા અને જાનહાનિનો આંકડો ઘણો નીચો લાવી શકાયો. ખરેખર ભૂલ હોય, ત્યાં સરકારની ટીકા પણ જરૂરી છે, પરંતુ રાજ્ય સરકારની નિર્ણાયક અને સંવેદનશીલ કામગીરી છતાં વિરોધ કરનારાઓને ખરેખર શરમ આવવી જોઈએ. તેમણે કહ્યું કે CM વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે જે કંઈ કર્યું છે, તે પ્રજા માટે અને લોકોના હિતમાં કર્યું હોવાનું જણાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp