PMની લોકડાઉનની ના, પણ ગુજરાતના 5 શહેરના ડૉક્ટરો અને વેપારીઓ લોકડાઉનની માગ કરે છે

PC: dnaindia.com

રાજ્યમાં કોરોનાના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં 11 હજાર કરતાં વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી કેસ સતત વધી રહયા છે. ચૂંટણી પહેલા 300 કેસ સામે આવતા હતા અને હવે આ આંકડો ખૂબ જ વધ્યો છે. હાઇકોર્ટ દ્વારા પણ સરકારને ફટકાર લગાવવામાં આવી રહી છે. હાઇકોર્ટમાં સરકાર દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો હતો કે, સરકાર આ પરિસ્થિતીને પહોંચી વળવા માટે સક્ષમ છે. હાલ હોસ્પિટલમાં બેડ પણ ઓક્સિજનની અછત છે.

તો બીજી તરફ નિષ્ણાંતો હજુ પણ કોરોના પોઝિટિવ કેસોને લઈ લોકડાઉન કરવાનું જણાવી રહ્યા છે. ત્યારે કોરોનાની મહામારી કાબુમાં લેવા માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગઈ કાલે લોકડાઉન કરવાની ના પાડી છે પરંતુ મોટા ભાગના ડોક્ટરો વેપારી મંડળ, હાઇકોર્ટ અને ગુજરાતમાં લોકો પણ લોકડાઉનની માગણી કરી રહ્યા છે પરંતુ સરકાર લોકડાઉન કરવા તૈયાર નથી.

કોરોના વાયરસના વધતા જતા સંક્રમણ વચ્ચે સુરત, વડોદરાઝ અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને જામનગરના વેપારી અને ડોક્ટરોમાંથી પાંચ શહેરોના મેડીકલ એસોસિએશન અને વેપારીઓએ લોકડાઉન કરવું જોઇએ તે બાબતે જણાવ્યું હતું.

મહત્ત્વની વાત છે કે, હાલ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ વધતા હોવાના કારણે કેટલીક જગ્યાઓ પર એટલે કે ગામડાં અને શહેરોમાં લોકો સ્વૈચ્છિક રીતે લોકડાઉન્નજાહેર કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મોટાભાગના ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉન લોકો દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન બાબતે જણાવવામાં આવ્યુ હતું કે, દેશ ફરી એક વખત મોટી લડાઈ લડી રહ્યો છે કેટલાક સપ્તાહ સુધી સ્થિતિ યોગ્ય રહી પરંતુ હવે કોરોનાની બીજી લહેર તોફાન બનીને આવી છે..જે પીડા તમે સહન કરી છે તે અમે સહન કરી રહ્યા છીએ. તેનું મને અહેસાસ છે. લોકોએ પોતાના લોકોને ગુમાવ્યા છે હું તમામ દેશવાસીઓ તરફથી તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું. પરંતુ દેશને લોકડાઉનથી બચાવવાનું છે. રાજ્યો પોતાને ત્યાં લોકડાઉનને હથિયાર તરીકે ઉપયોગ કરે છે પરંતુ આ રીતે અર્થવ્યવસ્થાની સ્થિતિ સુધારી શકીશું?.

અમદાવાદના મેડિકલ એસોસિએશનના પ્રમુખ કિરીટ ગઢવીએ લોકડાઉન બાબતે કહ્યું હતું કે કોરોનાનવાયરસના મ્યુટેશન અને તેની સંક્રમણ શક્તિ વધી છે. જેના કારણે કેસ વધે છે. તેની મારણશક્તિ ગત વર્ષ કરતાં ઘટી છે એટલે આજે લોકો માસ્ક વગર ફરી રહ્યા છે. આ વાયરસની ચેઇન તોડવા માટે ત્રણથી ચાર દિવસના લોકડાઉનના બદલે 15 દિવસનું લોકડાઉન ખૂબ જ જરૂરી છે.

અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ મોના દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કેસ વધવા પાછળ વાયરસના મ્યુટેશન અને હાલની સીઝન જવાબદાર છે. આ વાયરસની ચેઇનને તોડવા માટે સરકાર પાસે કર્ફયૂ કે, લોકડાઉન સિવાય બીજો કોઈ વિકલ્પ બચશે નહીં.

સુરત ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા પણ સાત દિવસનું સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવે તેવી માગણી કરતો પત્ર રાજ્ય સરકારને લખવામાં આવ્યો છે અને આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જો લોકડાઉન નહીં લગાવવામાં આવે તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધારે વકરશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

આ ઉપરાંત ટેક્સટાઇલ એસોસિએશન ફોસ્ટ દ્વારા પણ સુરત શહેરમાં સાત દિવસનું લોકડાઉન કરવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી છે. બીજી તરફ શનિવાર અને રવિવાર સ્વયંભૂ રીતે માર્કર્ટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તમે જ રાજકોટ મેડિકલ એસોસિએશન દ્વારા પણ કોરોના સંક્રમણની ચેઇનને તોડવા માટે 21 દિવસના લોકડાઉનની માગણી કરવામાં આવી છે. મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ અમિત પંડ્યાનું કહેવું છે કે, હાલની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને કોરોનાની ચેઇનને તોડવા માટે લોકડાઉન એક જ વિકલ્પ છે.

ઈન્ડીયન મેડીકલ એસોસિએશન વડોદરાના પ્રમુખ પરેશ મજમુદારે કહ્યું હતું કે, મારો પર્સનલ અભિપ્રાય છે કે, કોરોનાની ચેઇનને તોડવા માટે આંશિક લોકડાઉન જરૂરી છે પરંતુ લોકડાઉન માટે વેપાર રોજગાર સહિતના અનેક પાસાઓનું ધ્યાન રાખવું જરૂરી છે. એટલે લોકો જ સમજે કે ઘરની બહાર ન નીકળે.

ઓલ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પૂર્વ ઉપપ્રમુખ ડોક્ટર કાનાણી એ પણ લોકડાઉન બાબતે જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં લોકડાઉનની પૂરેપૂરી જરૂર છે માર્ચ 2020માં 100 કેસ પણ ન હતા ત્યારે લોકડાઉન કર્યું હતું અને અત્યારે 20,000 જેટલા કેસો સામે આવી રહ્યા છે તો પણ લોકડાઉન કરવામાં આવતું નથી. એટલે કોરોનાની ચેઇનને તોડવા માટે સંપૂર્ણ લોકડાઉન થાય તો જ તે ચેઇન તૂટી શકે તેમ છે. હું ગુજરાતના ડોક્ટરો વતી કહું છું કે અત્યારે લોકડાઉન કરવું જોઈએ એના વગર કંઈ શક્ય છે નહીં.

જામનગર મેડિકલ એસોસીએશનના પ્રમુખ પ્રશાંત તન્નાએ જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય તેવુ કહી શકાય. ગયા વર્ષે જે તકલીફો બીજા વીકમાં થઈ હતી તે આ વખતે પહેલા વીકમાં શરૂ થઈ છે અને તે બહુ ઝડપથી થાય છે. લોકડાઉન કરશો તો લોકોને મુશ્કેલી પડશે. જે લોકો એડમિટ છે તેમને સારવાર માટે જરૂર પડે તો પણ મુશ્કેલી પડશે અને બે દિવસ પછી કોઈને તાવ આવ્યો હોય દવાખાને જવું હોય તો પણ એક જ સવાલ ઉભો રહેવાનો છે એટલે લોકડાઉનમાં દવાખાના તો બંધ કરી શકાય નહીં.

જામનગર મેડિકલ એસોસિયેશનના ઉપપ્રમુખ ડોક્ટર અલ્પેશ ચાવડાએ જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિ ખરાબ છે પબ્લિકને વેપારીઓ પણ પોતાની રીતે બંધ કરે છે. લોકડાઉન થયા બાદ લોકો શેરીઓમાં ભજીયા પાર્ટી કરે, ભેગા થઈએ તો પણ સંક્રમણ વધી શકે છે એટલે પરિસ્થિતિ અત્યારે ખરાબ છે કોરોનાની ચેઇન તોડવા માટે લોકોએ પૂરેપૂરી સાવચેતી રાખવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp