નિખાલસતા અને દબાણની ગેરહાજરી નવી શિક્ષણ નીતિની મહત્વની વિશેષતાઓ: PM

PC: PIB

ભારત સરકારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (નેશનલ એજ્યુકેશન પૉલિસી-એનઈપી) 2020 હેઠળ સુધારાને એક વર્ષ પૂર્ણ થયું એ નિમિત્તે આજે PM નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સમગ્ર દેશના શિક્ષણ અને કૌશલ્ય વિકાસના નીતિ ઘડનારાઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધન કર્યું હતું. તેમણે શિક્ષણ ક્ષેત્રમાં બહુવિધ નવી શરૂઆતોનો પણ આરંભ કર્યો હતો.

નવી શિક્ષણ નીતિને એક વર્ષ પૂરું થયું એ માટે દેશવાસીઓ અને વિદ્યાર્થીઓને અભિનંદન આપતા PMએ નવી શિક્ષણ નીતિને કોરોનાના મુશ્કેલ સમય દરમ્યાન પણ જમીની સ્તરે સાકાર કરવા બદલ શિક્ષકો, પ્રાધ્યાપકો, નીતિ બનાવનારાઓના કઠોર પરિશ્રમની પ્રશંસા કરી હતી. ‘આઝાદીના અમૃત મહોત્સવ’ વર્ષનું મહત્વ નોંધતા PMએ કહ્યું હતું કે આપણી ભાવિ પ્રગતિ અને વિકાસ આજે આપણા યુવાનોને શિક્ષણ અને દિશા આપીએ છીએ એના સ્તર પર આધારિત છે. ‘હું માનું છું કે રાષ્ટ્રીય વિકાસના ‘મહાયજ્ઞ’માં આ બહુ મોટા પરિબળોમાંનું એક છે’.

PMએ મહામારી દ્વારા આવેલા ફેરફારો અને વિદ્યાર્થીઓ માટે કેવી રીતે ઓનલાઇન શિક્ષણ સામાન્ય બની ગયું એની નોંધ લીધી હતી. દિક્ષા પોર્ટલ પર 2300 કરોડથી વધારેની હિટ્સ દિક્ષા અને સ્વયં જેવા પોર્ટલ્સની ઉપયોગિતાની સાબિતી છે. PMએ નાના નગરોના યુવાઓએ ભરેલી હરણફાળની નોંધ લીધી હતી. તેમણે આવા નગરોના યુવાઓ દ્વારા ટોક્યો ઑલિમ્પિક્સ ખાતે મહાન દેખાવને ટાંક્યો હતો. રોબોટિક્સ, એઆઇ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), સ્ટાર્ટ અપ્સના ક્ષેત્રોમાં યુવાઓના પ્રયાસો અને ઉદ્યોગ 4.0માં એમના નેતૃત્વની તેમણે પ્રશંસા કરી હતી.

તેમણે કહ્યું કે જો યુવા પેઢીને એમનાં સપનાં માટે અનુકૂળ વાતાવરણ મળે તો એમના વિકાસ માટે કોઇ મર્યાદા નથી. તેમણે ભાર મૂક્યો હતો કે આજનો યુવા તેમની પ્રણાલિઓ અને એમનું વિશ્વ પોતાની શરતો પર નક્કી કરવા માગે છે. તેમને તક અને અનુભવ જોઇએ છે અને બંધનો અને નિયંત્રણોમાંથી મુક્તિ જોઇએ છે. નવી શિક્ષણ નીતિ આપણા યુવાને ખાતરી આપે છે કે દેશ તેમની અને તેમની આકાંક્ષાઓની સાથે સંપૂર્ણપણે છે. આજે શરૂ કરવામાં આવેલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને ભવિષ્યલક્ષી બનાવશે અને એઆઇ-ચાલિત અર્થતંત્ર માટેનો માર્ગ મોકળો કરશે. એવી જ રીતે નેશનલ ડિજિટલ એજ્યુકેશન આર્કિટેક્ચર (એનડીઈએઆર) અને નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ (એનઈટીએફ) સમગ્ર દેશને ડિજિટલ અને ટેકનોલોજિકલ માળખું પૂરું પાડવામાં બહુ આગળ વધશે, એમ PMએ જણાવ્યું હતું. 

PMએ નવી શિક્ષણ નીતિમાં ખુલ્લાપણું-નિખાલસતા અને દબાણની ગેરહાજરીને ઉજાગર કરી હતી. તેમણે કહ્યું હતું કે નીતિ સ્તરે એમાં નિખાલસતા છે અને વિદ્યાર્થીઓને ઉપલબ્ધ વિકલ્પોમાં પણ ખુલ્લાપણું દેખાય છે. બહુ પ્રવેશ અને પ્રસ્થાન- મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝિટ જેવા વિકલ્પો વિદ્યાર્થીઓને એક વર્ગ અને એક અભ્યાસક્રમમાં રહેવાના નિયંત્રણોમાંથી મુક્ત કરશે. એવી જ રીતે, આધુનિક ટેકનોલોજી આધારિત ક્રેડિટ સિસ્ટમની શૈક્ષણિક બૅન્ક (એકેડેમિક બૅન્ક ઑફ ક્રેડિટ સિસ્ટમ) ક્રાંતિકારી ફેરફાર લાવશે. આ વિદ્યાર્થીઓને પ્રવાહ અને વિષયો પસંદ કરવામાં આત્મવિશ્વાસ આપશે. ‘સ્ટ્રક્ચર્ડ એસેસમેન્ટ ફોર એનલાઇઝિંગ લર્નિંગ લેવલ્સ’, ‘સફલ’ પરીક્ષાનો ભય દૂર કરશે. PMએ દોહરાવ્યું હતું કે આ નવા કાર્યક્રમો પાસે ભારતનું ભાવિ બદલવાની ક્ષમતા છે.

મહાત્મા ગાંધીને ટાંકતા PMએ સૂચનાઓના માધ્યમ તરીકે સ્થાનિક ભાષાઓની અગત્યતા પર ભાર મૂક્યો હતો. PMએ માહિતી આપી કે 8 રાજ્યોની 14 ઇજનેરી કૉલેજો 5 ભારતીય ભાષાઓ હિંદી, તમિલ, તેલુગુ, મરાઠી અને બાંગ્લામાં શિક્ષણ આપવાનું શરૂ કરી રહી છે. ઇજનેરી અભ્યાસક્રમને 11 ભાષાઓમાં અનુવાદિત કરવા માટે એક ટૂલ વિક્સાવવામાં આવ્યું છે. સૂચનાના માધ્યમ તરીકે માતૃભાષા પરનો આ ભાર ગરીબ, ગ્રામીણ અને આદિવાસી પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો સંચાર કરશે. પ્રાથમિક શિક્ષણમાં પણ માતૃભાષાને ઉત્તેજન અપાઇ રહ્યું છે અને આજે શરૂ કરવામાં આવેલો વિદ્યા પ્રવેશ કાર્યક્રમ એમાં બહુ મોટી ભૂમિકા ભજવશે. તેમણે એવી પણ માહિતી આપી કે પહેલી વાર ભારતીય સાંકેતિક ભાષાને ભાષા વિષયનો દરજ્જો આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ એનો પણ ભાષા તરીકે અભ્યાસ કરી શક્શે. એવા 3 લાખથી વધારે વિદ્યાર્થીઓ છે જેમને એમના શિક્ષણ માટે સાંકેતિક ભાષાની જરૂર છે. આનાથી ભારતીય સાંકેતિક ભાષાને વેગ મળશે અને દિવ્યાંગ લોકોને મદદ મળશે એમ PMએ કહ્યું હતું.

શિક્ષકોની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂકતા PMએ માહિતી આપી કે રચનાના તબક્કાથી અમલીકરણ સુધી, શિક્ષકો નવી શિક્ષણ નીતિનો એક્ટિવ ભાગ છે. આજે શરૂ કરવામાં આવેલ નિષ્ઠા 2.0 શિક્ષકોને એમની જરૂરિયાતો મુજબ તાલીમ પૂરી પાડશે અને તેઓ તેમનાં સૂચનો વિભાગને આપી શક્શે. PMએ એકેડેમિક બૅન્ક ઑફ ક્રેડિટ શરૂ કરી હતી જે ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓ માટે મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝિટના વિકલ્પો પૂરાં પાડશે; પ્રાદેશિક ભાષાઓમાં પ્રથમ વર્ષના ઇજનેરી પ્રોગ્રામ્સ અને ઉચ્ચ શિક્ષણના આંતરાષ્ટ્રીયકરણ માટેની માર્ગદર્શિકા. શરૂ થનારી અન્ય પહેલોમાં સમાવેશ થાય છે: પહેલા ધોરણના વિદ્યાર્થીઓ માટે ત્રણ મહિનાનો રમત આધારિત સ્કૂલ તૈયારી માનદંડ વિદ્યાપ્રવેશ; માધ્યમિક સ્તરે વિષય તરીકે ભારતીય સાંકેતિક ભાષા; એનસીઈઆરટી દ્વારા તૈયાર કરાયેલ શિક્ષકોની તાલીમ માટે સંકલિત કાર્યક્રમ નિષ્ઠા 2.0; CBSE શાળામાં ધોરણ 3,5 અને 8 માટે કાર્યક્ષમતા આધારિત અવલોકન માળખું સફલ (સ્ટ્રક્ચર્ડ એસેસમેન્ટ ફોર એનલાઇઝિંગ લર્નિંગ લેવલ્સ); અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સમર્પિત એક વૅબસાઇટ. આજના કાર્યક્રમમાં નેશનલ ડિજિટલ એજ્યુકેશન આર્કિટેક્ચર (એનડીઈએઆર) અને નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ (એનઈટીએફ)ની શરૂઆત પણ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp