કોરોના સાથે ડિવોર્સ નામનો વાયરસ પણ લોકોના ઘરમાં ઘૂસ્યો, જાણો કેટલા કેસ વધ્યા

PC: feminisminindia.com

વર્ષ 2019માં કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. લોકડાઉન સમયે લોકોના ધંધા રોજગાર બંધ હોવાના કારણે તેમને પરિવારના સભ્યો વચ્ચે જ સમય વિતાવવાનો વારો આવ્યો હતો. પતિ-પત્ની 24 કલાક સાથે રહેતા હોવાના કારણે ઘર કંકાસના કિસ્સા પણ કોરોનાની મહામારી વચ્ચે વધ્યા હતા. તો કેટલાક કિસ્સાઓમાં પતિ-પત્ની વચ્ચે સમાધાન થતું હતું. તો કેટલાક કિસ્સાઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. કોરોનાની મહામારી વચ્ચે હાલ સંક્રમણ તો ઘટી રહ્યું છે પરંતુ પતિ-પત્ની વચ્ચે થતી તકરારને કારણે છૂટાછેડાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનની અસર હવે કોર્ટ કચેરી પર દેખાઈ રહી છે કારણ કે, પતિ-પત્ની વચ્ચે તકરાર થતા છૂટાછેડાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે સુરતની વાત કરવામાં આવે છૂટાછેડાના જે આંકડાઓ સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે. કારણ કે 2020ના એપ્રિલ મહિનાથી છૂટાછેડાના કેસમાં વધારો થઈ રહ્યો છે.

રિપોર્ટ અનુસાર સુરતમાં વર્ષ 2020ના એપ્રિલ મહિનાથી જુલાઈ 2021 સુધીમાં 731 દંપતીએ છૂટાછેડા લીધા છે એટલે એક દિવસમાં બે દંપતીઓ છૂટાછેડા લીધા હોવાનું સામે આવી રહ્યું છે. આંકડાકીય માહિતી અનુસાર વર્ષ 2020ના એપ્રિલથી ડિસેમ્બર 2020 સુધીમાં છૂટાછેડાના 405 કેસ સામે આવ્યા હતા. તો જાન્યુઆરી 2021થી જુલાઈ 2021 સુધીમાં 547 કેસ સામે આવ્યા હતા અને એપ્રિલ 2020થી જુલાઈ 2021 સુધીમાં કુલ 992 કેસ સામે આવ્યા હતા. તેમાંથી કુલ 731 લોકોના છૂટાછેડા થયા હતા.

કોરોનાની મહામારી વચ્ચે કોરોનાથી બચવા માટે લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે અને વેક્સીનને લઈને લોકો સુરક્ષિત થઈ રહ્યા છે પરંતુ ઘર કંકાસના કિસ્સાઓમાં જાણે હવે ડિવોર્સ નામનો વાયરસ લોકોના ઘરમાં ઘૂસી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ તમામ વચ્ચે સારી વાત તો એ છે કે, જ્યારે આ પ્રકારના કેસ પોલીસ સ્ટેશન કે, પછી મહિલા અભયમ હેલ્પલાઇન સુધી પહોંચે છે ત્યારે પ્રાથમિક તબક્કે પતિ પત્નીનું સમજાવટથી સમાધાન કરાવવામાં આવે છે એટલે ડિવોર્સ નામના વાયરસને દુર કરવા માટે કાઉન્સિલ નામની વેક્સીન આપવામાં આવી રહી છે તેવું કહી શકાય. આ જ કારણે કેટલાંક દંપતી વચ્ચે સમાધાન શક્ય બન્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી વચ્ચે આપવામાં આવેલા લોકડાઉન સમયે ધંધા-રોજગાર બંધ હોવાથી પતિ-પત્ની સાથે રહેતા હતા અને આ જ કારણને લઈને નાની-નાની વાતોમાં પતિ-પત્ની વચ્ચે મન મોટાવ જોવા મળતો હતો. તો ક્યારેક જમવાનું બનાવવા બાબતે ઝઘડાઓ સામે આવ્યા હતા. તો ક્યારેક બજારમાંથી વસ્તુ લાવવા બાબતે ઝઘડાઓ સામે આવ્યા હતા અને આવા અનેક કિસ્સા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp