ડૉન લતીફના ઘરમાં ઘૂસવાની હિંમત કરનાર પૂર્વ IPS ગીથા જોહરી હવે નવી ભૂમિકામાં

PC: indiatimes.com

 

(પ્રશાંત દયાળ).છેલ્લાં બે દાયકમાં ગુજરાત પોલીસનો હિસ્સો બનેલા પોલીસ અધિકારીઓ કલ્પના પણ કરી શકશે નહીં કે અમદાવાદ એક એવા સમયમાંથી પસાર થઈ રહ્યુ હતું જયારે ગુજરાતના અંડરવર્લ્ડ ડોન અબ્દુલ લતીફના દરિયાપુર સ્થિત નિવાસસ્થાન પોપટીયાવાડમાં પોતાને મર્દ કહેવડાવતા પોલીસ અધિકારીઓ પણ ઘુસવાની હિમંત કરતા ન્હોતા. ત્યારે ગુજરાત કેડરના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી ગીથા જોહરી માત્ર બે પોલીસ અધિકારીઓ સાથે લતીફના ઘરમાં ઘુસી ગયા હતા.જયાંથી તેમણે શાર્પ શુટર શરીફખાનને જીવના જોખમે પકડી લીધો હતો. ત્રણ વર્ષ પહેલા ગુજરાતના પ્રથમ મહિલા ડીજીપી તરીકે નિવૃત્ત થનાર ગીથા જોહરીએ હવે કેડીલા ફાર્માસ્યુટીકીલમાં પ્રેસીડન્ટ તરીકે પોતાનો નવો કાર્યભાર સંભાળી લીધો છે.

1982ના બેંચના આઈપીએસ અધિકારી ગુજરાતના પહેલા મહિલા આઈપીએસ તરીકે ગુજરાત પોલીસનો હિસ્સો બન્યા ત્યારે અમદાવાદમાં ડૉન લતીફનું સામ્રાજય સ્થપાઈ ચુકયુ હતું, થોડાક પૈસાની લાલચમાં ગુજરાત પોલીસ અધિકારીઓને એક સામાન્ય બુટલેગર કયારે ડૉન બની ગયો તેનો અંદાજ જ  રહ્યો નહીં, એક તરફ મસલ્સ -મની પાવર અને બીજ તરફ પોલટીકલ સેલ્ટર મળી જતાંડ ડૉન લતીફ પોલીસનો બાપ બની ગયો, જાણે અમદાવાદમાં કાયદાનું શાસન સમાપ્ત થઈ ગયુ હોય તેવી સ્થિતિ હતી, દરિયાપુરના પોલીસ ઈન્સપેકટરને પોપટીયાવાડ જવુ હોય  તો એસઆરપીની એક  કંપની  એટલે કે ઓછામાં ઓછા સશસ્ત્ર એકસો માણસો વગર પોપટીયાવાડમાં પ્રવેશ કરી શકતા ન્હોતા.

1990ના દસકામાં લતીફ મુંબઈના દાઉદ ઈબ્રાહીમની તોલે શકિતશાળી બની ગયો હતો, આ વખતે ગુજરાતના પ્રમાણિક અને શકિતશાળી ગૃહમંત્રી સી ડી પટેલે ઓપેરેશન લતીફની જવાબદારી ગુજરાતના મહિલા આઈપીએસ અધિકારી ગીથા જોહરીને સોંપી હતી,જો કે  ખાનગીમાં જોહરીના બેંચ મેટ પણ તેમની મશ્કરી કરતા હતા,તેમને મન એક મહિલા અધિકારીઓ ઓપરેશન લતીફ કામ આપી સરકારે મઝાક કરી છે, પણ આ મઝાક અને ટીકાઓ વચ્ચે એક દિવસ માત્ર બે અધિકારીઓને ઓટોરીક્ષામાં લઈ ગીથા જોહરી લતીફના ઘરમાં ઘુસી ગયા હતા, આમ પહેલી વખત પોલીસ  ધારે તો કોઈ પણ ડૉનની પાટલુન ભીની કરી શકે છે તેવો અહેસાસ તેમણે ગુજરાતના  પોલીસના અધિકારીઓને અપાવ્યો હતો.

કેમેસ્ટ્રી વિષય સાથે અનુસ્નાતક ગીથા જોહરી ગુજરાતના ડીજીપી તરીકે નિવૃત્ત થયા હતા, હવે તેમણે  પોતાના શિક્ષણનો ઉપયોગ કરી કેડીલા ફાર્માસ્ટીયુકલમાં પ્રેસીડન્ટ ( સ્પેશીયલ ડયુટી) તરીકે પોતાની નવી જવાબદારી તા15 ફેબ્રુઆરીથી સંભાળી લીધી છે, ઉલ્લેખનિય બાબત છે કે કોરોના કાળમાં કેડીલાએ પણ વેક્સિન ક્ષેત્રે ખાસ્સુ કામ કરી પોતાની વેક્સિન સાથે તેઓ બજારમાં આવી રહ્યા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp