ગુજરાતના મહાનગરોમાં ભાજપનો ફરી ઉદય, કોંગ્રેસ પ્રમુખ-વિપક્ષ નેતા ખુરશી છોડશે?

PC: rediff.com

ગુજરાતની છ મહાનગરોની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. આ વિજયને જોતાં 2022માં વિધાનસભાની ચૂંટણી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પાર્ટી પ્રમુખ સીઆર પાટીલના નેતૃત્વમાં યોજાય તેવી સંભાવના પ્રબળ બની છે. ભાજપનું હાઇકમાન્ડ પણ આ ચૂંટણી પરિણામોથી ખુશ છે.

દેશ અને રાજ્યમાં બેકારી, પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો, મોંઘવારી તેમજ કોરોના સંક્રમણ વચ્ચે પણ રાજ્યના શહેરી મતદારોએ ભાજપને મત આપ્યાં છે તે દર્શાવે છે કે ગુજરાતના શહેરીજનો હજી પણ કોંગ્રેસને જાકારો આપી રહ્યાં છે. રાજ્યમાં 2002 પછી આવેલી તમામ નાની-મોટી ચૂંટણીમાં કોંગ્રેસને ભારે પછડાટ મળી છે.

ગુજરાતના રાજકારણમાં નવી બાબત એવી સામે આવી છે કે કોંગ્રેસના વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે. કોંગ્રેસની જો આવી જ કારમી હાર રહી તો 2022ની ચૂંટણીમાં ભાજપનો સીધો મુકાબલો કોંગ્રેસ સાથે નહીં પરંતુ આમ આદમી પાર્ટી સાથે થશે. શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ વધુને વધુ કમજોર બનતી જાય છે. આ ચૂંટણીના પરિણામોની ઇફેક્ટ ગ્રામ્ય વિસ્તારમાં આવી રહેલી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં થવાની પુરેપુરી સંભાવના છે.

ગુજરાતમાં રાજ્યકક્ષાનો શક્તિશાળી નેતા નથી પરિણામે કાર્યકરોને સાચી દિશા મળી શકતી નથી. હાલના પ્રદેશ નેતાઓ પૈકી પરેશ ધાનાની એકમાત્ર અમરેલીના રાજકારણમાંથી બહાર આવી શક્યા નથી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ મધ્ય ગુજરાતના તેમના વિસ્તાર પુરતા સિમિત રહ્યાં છે. પાર્ટીએ હાર્દિક પટેલને કાર્યકારી પ્રમુખ તો બનાવ્યા છે પરંતુ તેઓ સ્થાનિક ચૂંટણીમાં નિષ્ક્રિય રહ્યાં છે.

કોંગ્રેસની સૌથી મોટી કમજોરી ટિકીટ વિતરણમાં ઉભા થયેલા પ્રશ્નો છે. જીતી શકે તેવા નહીં પરંતુ નેતાને વફાદાર રહ્યાં હોય તેમને ટિકીટ મળે છે. કોંગ્રેસ પાસે આ ચૂંટણીમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અને ખેડૂતોના સળગતા પ્રશ્નો સહિતના અનેક મુદ્દાઓ હતા પરંતુ કોંગ્રેસ આ મુદ્દાઓને જનતા સુધી લઇ જઇ શકી નથી. છેલ્લી ઘડીએ ટિકીટ આપવામાં આવતાં ઉમેદવારોને ચૂંટણી પ્રચાર તો ઠીક ઉમેદવારીપત્ર ભરવાનો સમય મળ્યો નથી, પરિણામે ઘણી બેઠકો ભાજપ બિનહરીફ જીતી ગયું છે.

વિધાનસભાની 2022માં આવી રહેલી ચૂંટણીમાં જો કોંગ્રેસને મજબૂત થવું હશે તો પાર્ટીના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલા, પાટીદાર નેતા હાર્દિક પટેલ અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર જેવા લીડરોનું નેતૃત્વ હોવું જોઇશે. વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો કરૂણ રકાસ થયા પછી મહાનગરોની આ ચૂંટણીમાં કોંગ્રેસને મોટી નામોશી મળી છે. તમામ છ મહાનગરોમાં ભાજપે ફરીથી સત્તા હાંસલ કરી છે. સ્થાનિક ચૂંટણીમાં હાર પછી વિપક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ તેમના હોદ્દાને ટકાવી રાખવામાં સફળ થશે કે તેમ તે મોટું પ્રશ્નચિન્હ છે. કોંગ્રેસ નવસર્જન માગે છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp